વિધાનસભ્ય અસલમ શેખને મળી ધમકી : ફોન કરનારે પોતાની ઓળખ કૅનેડિયન ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે આપી : પોલીસે તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : બાંગુરનગર પોલીસે શનિવારે એક અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર નોંધ્યો છે. તેણે કથિત રીતે કૅનેડિયન ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રાર હોવાનો દાવો કર્યો હતો અને ભૂતપૂર્વ પાલક પ્રધાન અને વિધાનસભ્ય અસલમ શેખના મોબાઇલ પર ફોન કરીને બે દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધમકીભર્યો આ કૉલ અસલમ શેખના વકીલ વિક્રમ કપૂરે રિસીવ કર્યો હતો. ગોલ્ડી બ્રાર ઉર્ફે સતીન્દરજિત સિંહ એક ભાગેડુ કૅનેડિયન ગૅન્ગસ્ટર છે. તે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો નજીકનો સહયોગી છે. તે આ પહેલાં પણ બૉલીવુડ-સ્ટાર સલમાન ખાનને ધમકી આપી ચૂક્યો છે. અસલમ શેખ બીએમસી ઑફિસમાં હતા ત્યારે તેમના મોબાઇલ પર કૉલ આવ્યો હતો. તેમના વકીલ અને પર્સનલ અસિસ્ટન્ટ વિક્રમે ફોન રિસીવ કર્યો હતો. ફરિયાદમાં વિક્રમે જણાવ્યું હતું કે બે કૉલ કરવામાં આવ્યા ત્યારે મોબાઇલ મારી પાસે હતો. ફોન કરનારે પોતાની ઓળખ ગોલ્ડી બ્રાર તરીકે આપીને વિધાનસભ્ય વિશે પૂછપરછ કરી હતી. ફોન કરનારે ધમકી આપી હતી કે મૈં ગોલ્ડી બ્રાર બોલ રહા હૂં. મૈં અસલમ શેખ કો દો દિન મેં ગોલી મારકર ઉડાને વાલા હૂં. યે અસલમ શેખ કો બતા દેના.’ વિક્રમના નિવેદન બાદ બાંગુરનગર પોલીસે મોબાઇલ નંબરના રજિસ્ટર્ડ વપરાશકર્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધ્યો છે. પોલીસે સર્વિસ પ્રોવાઇડરને પણ પત્ર લખ્યો છે અને માહિતી શોધવામાં આવી રહી છે.
બાંગુરનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિક્રમે વિધાનસભ્યને જાણ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને જ્યાંથી કૉલ્સ કરવામાં આવ્યા હતા એ બે મોબાઇલ નંબરને ટ્રૅક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. કૉલ ડિસકનેક્ટ કરતાં પહેલાં ફોન કરનારે અસલમ શેખને બે દિવસમાં મારી નાખવાની ધમકી આપી હતી.’