દીપક સાવંતને ઍમ્બ્યુલન્સમાં અંધેરીની ક્રિટિકૅર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે
હવે ભૂતપૂર્વ આરોગ્યપ્રધાનની કારને થયો અકસ્માત
મુંબઈ : ભૂતપૂર્વ સ્વાસ્થ્યપ્રધાન ડૉ. દીપક સાવંતની કારને ગઈ કાલે મુંબઈથી પાલઘર જતી વખતે ઘોડબંદર પાસે અકસ્માત નડ્યો હતો. એક ડમ્પરે કારને પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો હતો. ડમ્પરચાલક ઇરશાદ શહઝાદાની કાશીમીરા પોલીસે ધરપકડ કરી છે. દીપક સાવંતને ઍમ્બ્યુલન્સમાં અંધેરીની ક્રિટિકૅર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ડૉ. દીપક સાવંત પાલઘરના મોખાડામાં કુપોષિત બાળકોનાં મૃત્યુની સમીક્ષા કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ સવારે ૧૧.૩૦ વાગ્યે ઘોડબંદરના સગનઈદેવી નાકા પર પહોંચ્યા ત્યારે તેમની કારને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારી હતી. કહેવાય છે કે દીપક સાવંતને પીઠ, ગરદન અને કમરમાં ઈજા થઈ છે. છેલ્લા થોડા સમયથી એક પછી એક રાજકારણીની કારને ભેદી રીતે અકસ્માત થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ડૉ. દીપક સાવંત શિવસેના તરફથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ જુલાઈ ૨૦૦૬માં છ વર્ષની મુદત માટે વિધાનપરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને જુલાઈ ૨૦૧૨માં ફરી ચૂંટાયા હતા. ડિસેમ્બર ૨૦૧૪માં તેમને જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આપીને મહારાષ્ટ્રના કૅબિનેટપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને ભંડારા જિલ્લા અને ઉસ્માનાબાદના પાલક પ્રધાન તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી. દીપક સાવંતે કચ્છી યુવતી સાથે લગ્ન કર્યાં છે.
કાશીમીરા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી સંદીપ કદમે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ વાહનને જપ્ત કરવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.