દક્ષિણ મુંબઈમાં રહેતા આ પરિવારે તેને દારૂ પીને આવતો હોવાથી નોકરીમાંથી કાઢી મૂક્યો હતો : આ પહેલાં તેની સામે ચાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ મુંબઈના ગામદેવીમાં રહેતા કચ્છી પરિવારના ઘરમાં ડિલિવરી બૉય હોવાનું કહીને ૨૪ જુલાઈએ પ્રવેશી પરિવારના તમામ સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર દીપક દુબે નામના ડ્રાઇવરની ગામદેવી પોલીસે ૨૬ જુલાઈએ ફરિયાદ નોંધાયા બાદ રવિવારે ધરપકડ કરી હતી. કચ્છી પરિવારના ઘરે દીપક ૨૦૧૫માં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, પણ તે વારંવાર દારૂ પીને આવતો હોવાથી તેને કાઢી મૂક્યો હતો. એનાથી ઉશ્કેરાઈને તેણે કચ્છી પરિવારના સભ્યોને અલગ-અલગ રીતે પરેશાન કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ગામદેવી પોલીસ-સ્ટેશનમાં કચ્છી પરિવારે દીપક વિરુદ્ધ આ અગાઉ ચાર ફરિયાદ નોંધાવી હોવા છતાં તેણે પરેશાન કરવાનું બાકી રાખ્યું નહોતું.
જુલાઈની શરૂઆતમાં દીપકે કચ્છી પરિવારની ૪૪ વર્ષની મહિલાને અશ્લીલ મેસેજો કર્યા હતા જેમાં અનેક અપશબ્દો પણ વૉટ્સઍપ પર મોકલ્યા હતા એમ જણાવતાં ગામદેવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં આવેલા મેસેજનો કોઈ રિપ્લાય મહિલાએ કર્યો નહોતો. ત્યાર બાદ ૨૪ જુલાઈએ ફરિયાદી મહિલા અને તેનો પરિવાર ઘરે હતા ત્યારે દીપક ફરિયાદી મહિલાના પતિના નામે પાર્સલ હોવાનું કહી ડિલિવરી બૉય બનીને ઘરમાં પ્રવેશ્યો હતો. તેને ઘરે આવવા પાછળનું કારણ પૂછતાં તેણે કહ્યું કે તમે મારી સામે પોલીસ-ફરિયાદ કરી હતી જેનો બદલો હું લઈને રહીશ. એમ કહીને તેણે આખા પરિવારને ધમકાવ્યો હતો. ફરિયાદી મહિલાએ તેને ઘરની બહાર જવા કહ્યું ત્યારે દીપકે કમરમાં છુપાવી રાખેલી છરી કાઢીને બધાને જાનથી મારી નાખશે એમ કહીને ધમકાવ્યા હતા. જોકે આ બધા વચ્ચે જોરદાર અવાજ થવાથી આસપાસમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા, પણ દીપક તેમનાથીયે ગભરાયો નહોતો. પોતાની પાસે રાખેલી છરીથી બધાને મારી નાખવાનું કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો. અંતે પરિવારે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવતાં અમે દીપકની ધરપકડ કરી છે. દીપક સામે આ જ ફરિયાદી મહિલાએ ૨૦૧૮માં એક ફરિયાદ, ૨૦૨૨માં એક ફરિયાદ અને ૨૦૨૩માં બે ફરિયાદ નોંધાવી હતી જેમાં દીપકને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.’ ગામદેવી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર દુષ્યંત ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ડ્રાઇવર દીપકની અમે ધરપકડ કરી છે. તેની સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’