મુંબઈ પોલીસના ટ્વિટર પર કોઈકે સેમી ફાઇનલ મૅચ રમાશે ત્યારે આગ લગાવવાની ધમકી આપતાં પોલીસે સિક્યૉરિટી વધારી
વાનખેડે સ્ટેડિયમ
વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મૅચ શરૂ થવાના ગણતરીના કલાક પહેલાં કોઈ ભેજાબાજે મૅચ ચાલુ હશે ત્યારે સ્ટેડિયમમાં આગ લગાવવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસને ટૅગ કરીને કરવામાં આવેલી ટ્વીટમાં આ ધમકી આપવામાં આવતાં પોલીસ સાવધ થઈ ગઈ હતી. વાનખેડે સ્ટેડિયમની આસપાસનો રસ્તો બંધ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાની સાથે સ્ટેડિયમની અંદર જ્વલનશીલ પદાર્થ, ગુટકા, સિગારેટ, તમાકુ, પાણીની બૉટલ કે બીજી કોઈ વસ્તુઓ સાથે પ્રવેશતા દર્શકોને રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સ્ટેડિયમની આસપાસ પાર્ક કરવામાં આવેલાં વાહનોને હટાવવામાં આવ્યાં હતાં.
મુંબઈ પોલીસને ટૅગ કરતી એક ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં આગ લગાવવામાં આવશે. સાથે આ પોસ્ટમાં ગન, હૅન્ડગ્રેનેડ અને બંદૂકની ગોળીઓનો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટ જોઈને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને વાનખેડે સ્ટેડિયમની આસપાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં મૅચ વખત ગરબડ કરવાની ધમકી આપતી પોસ્ટ કરનારાની ઓળખ કરીને પકડવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા.
વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની સેમી ફાઇનલ મૅચ રમાવાની હતી એટલે મુંબઈ પોલીસે અહીં પહેલેથી જ ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો, પણ અહીં ગરબડ કરવાની ધમકી આપવામાં આવી હોવાથી અહીં બૉમ્બ અને ડૉગ-સ્ક્વૉડને બોલાવીને સ્ટેડિયમની અંદર અને આસપાસમાં પાર્ક કરવામાં આવેલાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી.
પોલીસે વાનખેડે સ્ટેડિયમના તમામ દસ ગેટની સામે વાહનો પાર્ક કરવાની મનાઈ કરી હતી. પોલીસે સ્ટેડિયમથી એક ચોરસ કિલોમીટરમાં પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. સુરક્ષાના કારણસર પેન, પેન્સિલ, માર્કર, કોરા કાગળ, બૅનર, પોસ્ટર તથા બૅગ, પાવર બૅન્ક સહિતની વસ્તુઓની સાથે જ્વલનશીલ પદાર્થ સાથે કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે એવી સૂચના આપી હતી.