તેમનું કહેવું છે કે જે જગ્યાએ ચાલુ ટ્રેનમાં લૂંટ અને બળાત્કારની ઘટના બની ત્યાંથી ઝોનલ હેડ ઑફિસ નજીક હોવાથી આ બહુ જ શરમજનક બાબત કહેવાય
લતા અરગડે. વંદના સોનવણે.
મુંબઈ નજીક પુષ્પક એક્સપ્રેસના ભીડભર્યા સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં લૂંટફાટ અને સામૂહિક બળાત્કારની ઘટનાના મામલે શહેરનાં પ્રવાસી સંગઠનોએ સેન્ટ્રલ રેલવે (સીઆર)ની ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું છે કે આ ઘટના મહિલાઓની સલામતી સામે જ નહીં, બલ્કે પૅસેન્જરોને કેવી રીતે રામભરોસે છોડી દેવાય છે એનો પુરાવો છે.
અવારનવાર મુસાફરી કરતા પૅસેન્જરોએ જણાવ્યું હતું કે ‘સમગ્ર પ્રવાસ દરમ્યાન બિનઅધિકૃત ફેરિયાઓ એસી સહિતના કોચમાં બેરોકટોક ફરતા હોય છે. ટ્રેનનો સ્ટાફ ફેરિયાઓની રોજિંદી અવરજવરથી સારી રીતે વાકેફ છે. આટલા બધા બિનઅધિકૃત લોકો ટ્રેનમાં સવાર હોય ત્યારે ટ્રેન સલામત શી રીતે હોઈ શકે?’
ADVERTISEMENT
રેલયાત્રી પરિષદના પ્રમુખ સુભાષ એચ. ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘લૂંટારા ટ્રેનમાં ચડ્યા, ટ્રેન અટકાવી અને તેમણે મહિલા પૅસેન્જરોને પરેશાન કરી, તેમની છેડતી કરી. મુંબઈ જઈ રહેલી એક મહત્ત્વની ટ્રેનમાં ઝોનલ હેડ ઑફિસ નજીક આ ઘટના બની. આનાથી વધુ શરમજનક શું હોઈ શકે? રેલવે મંત્રાલય અને પ્રધાન હવે ક્યાં છે? રેલવે પોલીસ આરપીએફ અને જીઆરપી વચ્ચે વિભાજિત છે અને અંતે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.’
તેજસ્વિની મહિલા પૅસેન્જર અસોસિએશનનાં સભ્ય લતા અરગડેએ જણાવ્યું હતું કે ‘મહિલાઓની સલામતીનું શું? રેલવે સ્ટાફ અને પોલીસને શું થયું છે? મનમાડ-કલ્યાણની વચ્ચે અને કલ્યાણ-ઇગતપુરી વચ્ચે દરેક ટ્રેન કમ્પાર્ટમેન્ટ ફેરિયાઓથી ભરેલો હોય છે. તેઓ રેલવે સ્ટાફ, ટિકિટચેકર અને પોલીસની નજર સામે ફરી રહ્યા હોય છે. કોઈ કશો વાંધો નથી ઉઠાવતું. રેલવે સ્ટાફની બિનઅધિકૃત તત્ત્વો સાથેની સાઠગાંઠ જોતાં આ તો થવાનું જ હતું.’
ઘટના શું હતી?
શુક્રવારે લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પોતાના પરિવાર સાથે પ્રવાસ કરી રહેલી ૨૦ વર્ષની યુવતી પર આઠ માણસોએ બળાત્કાર ગુજાર્યો હતો. ટ્રેન ઇગતપુરી સ્ટેશન છોડીને ટનલમાં પ્રવેશતાં પહેલાં ધીમી પડી ત્યારે આરોપીઓ ચાકુ અને બેલ્ટ સાથે સ્લીપર બૉગીમાં પ્રવેશ્યા હતા. ટ્રેન કસારા પહોંચી ત્યારે પૅસેન્જરોએ મદદ માટે બૂમો પાડતાં ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જીઆરપી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આઠેય આરોપીઓને ઝડપી લીધા હતા.