FM Gold Geet Gurjari: આકાશવાણી મુંબઈની FM Gold ચેનલ પર શરૂ થયો ‘ગીત ગુર્જરી’ કાર્યક્રમ, દરરોજ બપોરે માણી શકશો ગુજરાતી ગીતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- 100.1 FM Gold ચેનલ પર આવશે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ
- ‘ગીત ગુર્જરી’ કાર્યક્રમ દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંભળી શકાશે
- મુંબઈગરાં માણી શકશે ગુજરાતી ગીતોનો આનંદ
મુંબઈ (Mumbai)માં અનેક ફ્રિક્વન્સી મોડ્યુલેશન (Frequency modulation) એટલે કે એફએમ (FM) ચેનલ છે. ચોવીસ કલાક ચાલતી આ એફએમ ચેનલો પર અનેક પ્રોગ્રામ આવે છે, પરંતુ તે બધા જ મોટેભાગે રાજભાષા હિન્દીમાં છે અને પ્રાદેશિક ભાષામાં કોઈ કાર્યક્રમ નથી. સવાયા ગુજરાતી પ્રદેશ મુંબઈમાં મોટેભાગે ગુજરાતીઓનો વસવાટ છે. મુંબઈમાં એફએમ પર ગુજરાતી ગીતોનો એકમાત્ર કાર્યક્રમ હતો તે હતો આકાશવાણી, મુંબઈ (Akashvani, Mumbai)નો ઑલ ઇન્ડિયા રેડિયો (All India Radio) ‘ગીત ગુર્જરી’ (Geet Gurjari) કાર્યક્રમ. જોકે, કોરોનાકાળ (COVID-19) દરમિયાન આ કાર્યક્રમ બંઈ થઈ ગયો હતો. જોકે, આજે આનંદના સમાચાર એ છે કે, આકાશવાણી - મુંબઈની એફએમ ગોલ્ડ (FM Gold) ચેનલ પર ગુજરાતી ગીતો (FM Gold Geet Gurjari) નો કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયો છે.
કોરોના મહામારીના મુશ્કેલ સમય દરમિયાન અનેક દુકાનો, કંપનીઓ અને કાર્યક્રમોને તાળાં લાગી ગયાં. આ જ દરમિયાન આકાશવાણી, મુંબઈની એફએમ ગોલ્ડ ચેનલ પર આવતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’ (FM Gold Geet Gurjari) પણ બંધ થઈ ગયો હતો. આકાશવાણીની ખરા સોના જેવી ચેનલ એફએમ ગોલ્ડ પર મુંબઈમાં પ્રસારિત થતો કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’ એકમાત્ર એવો કાર્યક્રમ હતો જેમાં ગુજરાતી ગીતો સાંભળવા મળતા હતા. જોકે, આ કાર્યક્રમ બંઈ થઈ જતા શ્રોતાઓ અને ઉદ્ઘોષકો બહુ દુઃખી થયા હતા. લગભગ બે વર્ષ પહેલાં બંધ થયેલા આ ગુજરાતી કાર્યક્રમને જીવંત કરવા માટે આકાશવાણી, મુંબઈના કાર્યક્રમ નિષ્પાદક (Program Executive) વૈશાલી ત્રિવેદી (Vaishali Trivedi) દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા હતા. આ પ્રયત્નોનું આખરે પરિણામ આવ્યું અને આજથી એફએમ ગોલ્ડ ૧૦૦.૧ પર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’ શરૂ થઈ ગયો છે.
ADVERTISEMENT
‘ગીત ગુર્જરી’ શરૂ થવાની ખુશી વ્યક્ત કરતાં કાર્યક્રમ નિષ્પાદક વૈશાલી ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૭૫થી વધુ વર્ષોથી આકાશવાણી મુંબઈ પર ગુજરાતી કાર્યક્રમો પ્રસારિત થતા હતા. વાર્તાલાપ, નાટકો, રૂપકો, સંગીત રૂપકો, સાહિત્યને લગતા કાર્યક્રમો આકાશવાણી મુંબઈની પ્રાથમિક ચેનલ સંવાદિતા અને એફએમ ગોલ્ડ પર પ્રસારિત થતા હતા. જોકે, કોરોનાકાળમાં જેમ વિશ્વ થંભી ગયું હતું તેમ જ આ ચેનલ અને કાર્યક્રમો પણ થંભી ગયા હતા. પણ ફરીએકવાર આકાશવાણીના ડિરેક્ટરેટે ગુજરાતી કાર્યક્રમો શરૂ કરવાની પરવાનગી આપતાં એફએમ ગોલ્ડ પર આજથી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ શરુ થયો છે.’
વૈશાલી ત્રિવેદી
છેલ્લાં ૩૬ વર્ષથી આકાશવાણીમાં કાર્યરત વૈશાલી ત્રિવેદીએ ગુજરાતી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તેમની સફર શરૂ કરી હતી અને આજે તેઓ કાર્યક્રમ નિષ્પાદકની પોસ્ટ પર પહોંચ્યાં છે. બે વર્ષ દરમિયાન ગુજરાતી કાર્યક્રમોને મુંબઈમાં ફરી શરૂ કરવા માટે તેમણે અથાગ પ્રયાસો કર્યાં છે. આ વિશે વાત કરતાં વૈશાલી ત્રિવેદી કહે છે કે, ‘કોઈપણ માણસ આખી જિંદગી મહેનત કરીને ઘર બનાવે અને કોઈક દુર્ઘટનાને કારણે ઘર તૂટી જાય અને ઘરમાં રહેનારને જેટલું દુઃખ થાય એનાથી વધારે દુઃખ ઘર બનાવનારને થાય. કારણકે તેણે ઘરને આકાર આપતાં પહેલાં આયોજન કર્યું હોય અને સપનાંઓ જોયા હોય છે, તેની પાછળ પરિશ્રમ કર્યો હોય છે. પછી માત્ર ઘર નથી તૂટતું, તેના સપનાંઓ અને પરિબળ બધુ તૂટી જાય છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતી કાર્યક્રમોનું પ્રસારણ બંધ થયું એ મારા માટે મારું ઘર તૂટવા સમાન જ હતું. આકાશવાણીનો હું ભાગ હોવા છતાં તે ઘર ફરી ઊભું કરવાના સપનાઓમાં મુશ્કેલી આવી રહી હતી અને ગુજરાતી કાર્યક્રમો શરૂ નહોતા થઈ રહ્યા. જોકે, મારા પ્રયત્નો સતત ચાલુ જ હતા જેને આકાશવાણીના ડિરેક્ટોરેટે બિરદાવીને સહકાર આપ્યો અને ગુજરાતી કાર્યક્રમને મંજૂરી આપી એટલે મારા સપનાનું મકાન મને ફરીથી ચણાતું દેખાયું. જેમાં મને મારા સહયોગી વરિષ્ઠ ઉદ્ઘોષિકા તરુલતા કરોડિયા અને હંગામી ઉદ્ઘોષકોનો સાથ-સહકાર મળ્યો છે. હવે શ્રોતાઓ સાથે ફરી કનેક્ટ થવા અમે ઉત્સાહિત છીએ.’
નોંધનીય છે કે, રેડિયોના ચાહકો આજથી આકાશવાણી મુંબઈની એફએમ ગોલ્ડ ૧૦૦.૧ ચેનલ ગુજરાતી કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’ ફરીથી સાંભળી શકશે. આજથી દરરોજ બપોરે ૩ વાગ્યાથી ૪ વાગ્યા સુધી શ્રોતાઓ આ કાર્યક્રમ માણી શકશે. રેડિયો ઉપરાંત મોબાઇલ ફોન પર ન્યુઝઑનઍર (NewsOnAir) ઍપ પર પણ આ કાર્યક્રમ સાંભળી શકાશે.