માનસિક સતામણી કરી હોવાનો આરોપ : કન્ઝ્યુમર ફોરમે કહ્યું કે ઈ-કૉમર્સ કંપનીએ એક્સ્ટ્રા પ્રૉફિટ માટે જાણીજોઈને ઑર્ડર કૅન્સલ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ મુંબઈના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટને દોષી ઠેરવીને એના પ્લૅટફૉર્મ પરથી આઇફોનનો ઑર્ડર આપનારા ગ્રાહકની માનસિક સતામણી કરવા બદલ ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદી દાદરનો રહેવાસી છે જેણે ૨૦૨૨ની ૧૦ જુલાઈએ ફ્લિપકાર્ટ પરથી આઇફોન મગાવ્યો હતો અને ક્રેડિટ કાર્ડ દ્વારા ૩૯,૬૨૮ રૂપિયા ચૂકવ્યા હતા. આ ફોનની ડિલિવરી ૧૨ જુલાઈએ થવાની હતી, પણ ઈ-કૉમર્સ કંપની તરફથી એસએમએસ મળ્યો હતો કે ઑર્ડર કૅન્સલ થયો છે. ફ્લિપકાર્ટે કહ્યું હતું કે તેમના ઈકાર્ટ ડિલિવરી બૉયે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ ફરિયાદી ઉપલબ્ધ ન હોવાથી ઑર્ડર કૅન્સલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ફરિયાદીએ જણાવ્યું હતું કે કૅન્સલેશનથી તેને નુકસાન તો થયું જ છે, સાથે માનસિક યાતના અને ઑનલાઇન ફ્રૉડ પણ થયું છે.
કમિશને આદેશમાં શું કહ્યું?
કંપનીએ એક્સ્ટ્રા પ્રૉફિટ મેળવવા માટે જાણીજોઈને કૅન્સલેશન કર્યું હતું જે સર્વિસમાં ખામી અને અયોગ્ય ટ્રેડ-પ્રૅક્ટિસ દર્શાવે છે. ગ્રાહકે રીફન્ડ મેળવ્યું હોવા છતાં તેના મેન્ટલ હૅરૅસમેન્ટ માટે કંપનીએ ભરપાઈ કરવી પડશે. ઈ-કૉમર્સ કંપનીએ ઑર્ડર એકપક્ષીય રીતે રદ કર્યો હતો અને પ્રોડક્ટની કિંમત ૭,૦૦૦ રૂપિયા વધી ગઈ હોવાથી ગ્રાહકને નવેસરથી ફોન ઑર્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું.