ગઈ કાલે ફ્લાઇટ લૅન્ડ થાય એ સંદર્ભની ઇન્સ્ટ્રુમેન્ટ લૅન્ડિંગ સિસ્ટમની ચકાસણી થઈ હતી અને આજે પણ સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન થવાની છે
ફાઇલ તસવીર
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું હાલ વિવિધ કારણોસર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ગઈ કાલે ફ્લાઇટ લૅન્ડ થાય એ સંદર્ભની ઇન્સ્ટ્રુમેન્ટ લૅન્ડિંગ સિસ્ટમ (ILS)ની ચકાસણી થઈ હતી અને આજે પણ સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન થવાની છે. એને કારણે મુંબઈના આકાશમાં ફ્લાઇટનો ભરાવો ન થાય એ માટે ઍર ટ્રાફિક કન્ટ્રોલર મુંબઈ ઍરપોર્ટ પરની ફ્લાઇટ્સ ડિલે કરશે. સામાન્યપણે આ સમયગાળા દરમ્યાન મુંબઈના ઍરપોર્ટ પર બાવીસથી પચીસ ફ્લાઇટ લૅન્ડ થતી હોય છે, પણ આ ટેસ્ટિંગને કારણે ૧૮થી ૨૦ ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ શકશે એટલે ફ્લાઇટો મોડી થવાની છે, જેની નોંધ લેવા ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ પૅસેન્જરોને જણાવ્યું છે. નવી મુંબઈ ઍરપોર્ટ પર ચાલી રહેલી ILSની ચકાસણી બહુ મહત્ત્વની છે. એના હૉરિઝોન્ટલ અને વર્ટિકલ ગાઇડન્સને અનુસરીને ફ્લાઇટે પૂર્ણ ચોક્સાઈ અને પર્ફેક્શન સાથે લૅન્ડિંગ કરવાનું હોય છે. એક વખત આ ચકાસણી પર્ફેક્ટ રીતે સફળતાપૂર્વક પાર પડશે એટલે બીજી ચકાસણીઓ કરવાનો માર્ગ ખુલ્લો થશે.
ક્યારે શરૂ થશે?
ADVERTISEMENT
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ માર્ચ ૨૦૨૫ સુધીમાં ચાલુ થવાની શક્યતા છે. પહેલા ફેઝમાં દર વર્ષે બે કરોડ પૅસેન્જર અને પાંચ લાખ ટન કાર્ગો હૅન્ડલ કરી શકાય એવી સુવિધાઓ ત્યાં ઊભી કરાઈ રહી છે. પહેલા ફેઝમાં એક રન-વે ચાલુ કરવામાં આવશે એ પછી બીજા પાંચ વર્ષના સમયગાળામાં બીજો રન-વે તૈયાર કરી એ પણ ચાલુ કરવામાં આવે એવું પ્લાનિંગ છે.