શિંદેસેનાના વિધાનસભ્ય શહાજી બાપુનું નામ લીધું સંજય રાઉતે, પણ આ રૂપિયા એક કૉન્ટ્રૅક્ટરના હોવાનું પોલીસે કહ્યું
કાર અને કૅશ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે પુણેમાં ખેડ શિવપુર ટોલનાકા પર ગ્રામીણ પોલીસે કરેલી નાકાબંધીમાં એક કારમાંથી સોમવારે રાત્રે પાંચ કરોડ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. આ રૂપિયા એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય શહાજી બાપુના સંબંધી અમોલ નલાવડેના હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કર્યો હતો. જોકે પુણે પોલીસે કહ્યું હતું કે આ રૂપિયા એક બિલ્ડરના હોવાનું તપાસમાં જણાયું છે.
પુણે જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પંકજ દેશમુખે ગઈ કાલે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ઇન્કમ-ટૅક્સ અને ચૂંટણીપંચની ટીમ દ્વારા સાથે મળીને ટોલ-નાકા પર કાર્યવાહી કરીને કારમાંથી પાંચ કરોડ રૂપિયા કૅશ જપ્ત કરવામાં આવ્યા હતા. બાદમાં ઑન કૅમેરા આ ૫૦૦ રૂપિયાની ચલણી નોટની રકમની ગણતરી કરીને પંચનામું કરવામાં આવ્યું હતું. પછી આ રકમ ઇન્કમ-ટૅક્સ વિભાગને સોંપવામાં આવી હતી. તપાસમાં જણાઈ આવ્યું છે કે કાર રોડ-કૉન્ટ્રેક્ટર અમોલ નલાવડેની માલિકીની છે. જોકે અમોલ નલાવડેએ કાર તેણે બાળાસાહેબ આસબેને વેચી હોવાનું જણાવ્યું છે. રૂપિયા લઈને કાર મુંબઈથી કોલ્હાપુર તરફ જતી હતી. જોકે આમાં કોઈ રાજકીય કનેક્શન છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.