થાણે વેસ્ટની વાગળે એસ્ટેટમાં આવેલા ચાર માળના ગંગા વિહાર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લૉન્ડ્રીમાં ગઈ કાલે સવારે ૫.૧૦ વાગ્યે લાગેલી આગને કારણે સખત ધુમાડો થયો હતો
લૉન્ડ્રીમાં લાગેલી આગમાં મોટું નુકસાન થયું હતું.
થાણે વેસ્ટની વાગળે એસ્ટેટમાં આવેલા ચાર માળના ગંગા વિહાર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લૉન્ડ્રીમાં ગઈ કાલે સવારે ૫.૧૦ વાગ્યે લાગેલી આગને કારણે સખત ધુમાડો થયો હતો, જે ઉપરના ચાર માળ સુધી ફેલાયો હતો. જોકે ફાયરબ્રિગેડે સાવચેતી દાખવી ઝડપી પગલાં લઈ એ બિલ્ડિંગના ચાર માળના ૪૮ ફ્લૅટમાં રહેતા ૨૫૦ જેટલા લોકોને સુખરૂપ બચાવી લીધા હતા. આ આગમાં કોઈને ઈજા નહોતી થઈ.
આ બચાવકાર્ય વિશે માહિતી આપતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેન્ટરના વડા યાસીન તડવીએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘એ જે લૉન્ડ્રી હતી એ આખા ભોંયતળિયામાં ૩૫૦૦ સ્કવેર ફીટમાં આવેલો એક જ ગાળો હતો જ્યાં મોટા પ્રમાણમાં કપડાંનો જથ્થો હતો. ત્યાં આગ લાગી હોવાથી બહુ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો જે ઉપરની તરફ ફેલાયો હતો. અમારા જવાનો અને ફાયરબ્રિગેડના જવાનોએ બિલ્ડિંગની બીજી સાઇડથી જ્યાં ધુમાડો ઓછો હતો ત્યાંથી લોકોને સુરક્ષિત ઉતાર્યા હતા. આગમાં લૉન્ડ્રીનો મોટા ભાગનો બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેમાં કપડાં, સ્ટોરેજનાં લાકડાંનાં કબાટો અને ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયાં હતાં. સવારના ૬ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.’