ચકલા સ્ટ્રીટના બિલ્ડિંગમાં લાગેલી આગે કરી હાલત કફોડી : પાંચ-પાંચ પ્રતિષ્ઠા કરવાની સાથે જૈન દેરાસર અને ધર્મશાળા બનાવનારા પિતાનાં પુત્ર-પુત્રીને રહેવાનાં અને જમવાનાં ફાંફાં
ચકલા સ્ટ્રીટમાં આવેલા કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગનો આગમાં સળગી ગયેલો ચોથો માળ, બેઘર બની ગયેલાં ભાઈ-બહેન પ્રકાશ અને સરલા ગાંધી
દક્ષિણ મુંબઈના ભીંડીબજારમાં ચકલા સ્ટ્રીટમાં આવેલા કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે સોમવારે આગ લાગી હતી એમાં ચાર જૈન સિનિયર સિટિઝન બેઘર બની ગયા છે. ચોથા માળે આવેલા તેમના ઘરમાં લાકડાં અને નળિયાંની છત હતી એ આગમાં સળગી જતાં આ લોકોના માથા પરનું છાપરું છીનવાઈ ગયું છે. પાંચ-પાંચ પ્રતિષ્ઠા કરાવવાની સાથે દેરાસર અને ધર્મશાળા બનાવનારા મહુવાના એક સમયના ઝવેરી હરખચંદ વીરચંદ ગાંધીનાં આ સંતાનો પાસે અત્યારે રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે તેમણે સંબંધીઓના આશરે રહેવું પડે છે. તેમની પાસે એટલા રૂપિયા પણ નથી કે બે સમય જમી શકે.
ચકલા સ્ટ્રીટમાં આવેલું કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગ એક સમયે ગાંધી ભુવન તરીકે ઓળખાતું હતું. સિત્તેરેક વર્ષ પહેલાં હીરાબજારના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજના શ્રેષ્ઠી અને જાણીતા ઝવેરી હરખચંદ વીરચંદ ગાંધીએ ચાર માળની આ ઇમારત ખરીદી હતી. આ બિલ્ડિંગના ચોથા માળે તેમનો પરિવાર રહેતો હતો અને નીચેના માળ જૈન સમાજના જરૂરિયાતમંદોને આપી દીધા હતા. ધર્મ અને સમાજ માટે આટઆટલું દાન અને સેવા કરનારા શ્રેષ્ઠીનાં સંતાનોની આગની એક ઘટનાને કારણે હાલત કફોડી બની ગઈ છે.
ADVERTISEMENT
હરખચંદ ગાંધીના મોટા પુત્ર બિપિન અને તેમનાં પત્ની તરુણાબહેન, નાનો પુત્ર પ્રકાશ અને પુત્રી સરલાબહેન કૃષ્ણ પ્રસાદ ઇમારતમાં રહે છે. સોમવારે સવારના ૧૧.૩૦ વાગ્યે ઘરના દરવાજા પાસેના ઇલેક્ટ્રિક બૉક્સમાં ધડાકો થયા બાદ આગ લાગી હતી જે બાદમાં આખા ઘરમાં ફેલાઈ હતી. આ સમયે બિપિન ગાંધી અને તેમનાં પત્ની તરુણાબહેન ઘરમાં હતાં. તેમને આસપાસના લોકોએ જેમતેમ કરીને નીચે ઉતારીને ઉગારી લીધાં હતાં. બાદમાં ગણતરીના સમયમાં આખું ઘર સળગી જવાની સાથે ઉપરના ભાગમાં બનાવવામાં આવેલા લાકડાના માળિયાને પણ આગે ચપેટમાં લીધું હતું અને ઉપર રાખવામાં આવેલાં લોખંડનાં કબાટ ચોથા માળના દરવાજા પાસે પડતાં ઘરની અંદર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
ચારેય સિનિયર સિટિઝન
બિપિનભાઈ, તરુણાબહેન, પ્રકાશભાઈ અને સરલાબહેન ૬૨ વર્ષથી મોટી વયનાં છે. સરલા ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક સમયે આ આખું બિલ્ડિંગ અમારું હતું. પિતાના ગયા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમે આજે જ્યાં રહીએ છીએ એ ચોથા માળના ફ્લૅટમાં આગ લાગવાથી ચોમાસું માથા પર છે ત્યારે છતવિહોણા થઈ ગયાં છીએ. અમારું બધું જ ખતમ થઈ ગયું છે. અમે બધાં સિનિયર સિટિઝન છીએ. આવક પણ લિમિટેડ છે એટલે છત બનાવવા માટેની વ્યવસ્થા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આગમાં સળગી ગયેલી વસ્તુઓ નીચે ઉતારવા માટે મદદની જરૂર છે.’
ઝવેરી પિતા
મીરા રોડમાં રહેતાં સરલાબહેનનાં મોટાં બહેન અને જૈન શ્રેષ્ઠીઓનાં સંતાનોને ધાર્મિક શિક્ષણ આપતાં પ્રવીણા ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ઝવેરી પિતાનું સારુંએવું નામ હતું. બિઝનેસમૅન હોવાની સાથે તેમનો સ્વભાવ ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતો. પિતાએ ધર્મ અને સમાજ માટે ખૂબ જ દાન-ધર્મ કર્યું હતું. પાંચ દેરાસરમાં મૂર્તિની પધરામણીનો તેમણે લાભ લીધો હતો. અમારા મૂળ વતન મહુવામાં એક દેરાસર બનાવ્યું હતું અને વિરારના અગાસી તીર્થમાં ધર્મશાળા પણ બનાવી હતી. અમે જાહોજહાલીમાં મોટા થયા છીએ. જોકે અત્યારે એક ભાઈ મહુવા રહે છે જેની આર્થિક સ્થિતિ બહુ સારી નથી તો ચકલા સ્ટ્રીટમાં આવેલા કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે રહેતાં ભાઈ-બહેન અને ભાભી પણ બહુ સારી સ્થિતિમાં નથી ત્યારે તેમનું ઘર આગમાં હોમાઈ જતાં તેઓ રસ્તા પર આવી ગયાં છે.’