Fire breaks out in Goregaon: આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા સૌપ્રથમ સવારે 11:19 વાગ્યે કરવામાં આવી હતી, અને સત્તાવાર અપડેટ 11:35 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, ફર્નિચર માર્કેટમાં લાગેલી આગને લીધે 6 દુકાનોને નુકસાન.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં રાહેજા બિલ્ડીંગ પાસે આવેલા ખડકપાડા ફર્નિચર માર્કેટમાં શનિવાર 25 જાન્યુઆરી 2025ના રોજ લેવલ-II આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા સૌપ્રથમ સવારે 11:19 વાગ્યે કરવામાં આવી હતી, અને સત્તાવાર અપડેટ 11:35 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, ફર્નિચર માર્કેટમાં લાગેલી આગને લીધે ત્યાંની પાંચથી છ દુકાનોને અસર થઈ છે. મુંબઈ ફાયર બ્રિગેડે શરૂઆતમાં સવારે 11:18 વાગ્યે આગને લેવલ-I જાહેર કરી હતી પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થતાં 11:24 વાગ્યે આગને લેવલ-II જાહેર કરી હતી.
અગ્નિશામક પ્રયાસો ચાલી રહી છે.
ADVERTISEMENT
આ આગને કાબુમાં લેવા માટે અગ્નિશમન દળની એક મહત્ત્વપૂર્ણ પ્રતિભાવ ટીમ તહેનાત કરવામાં આવી છે. ઘટનાસ્થળે હાજર અગ્નિશામક એકમોમાં, 8 ફાયર એન્જિન (FE), 1 વોટર ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (WQRV), 1 ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV), 5 જમ્બો ટેન્કર (JT), 3 એડવાન્સ્ડ વોટર ટેન્કર (AWTT), એક ફાયર ફાઇટીંગ રોબો યુનિટ, એક બ્રેથિંગ એપેરટસ (BA) વૅન વગેરે સામેલ છે. વધુમાં, એક ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO), એક એડિશનલ ડિવિઝનલ ફાયર ઓફિસર (ADFO), ત્રણ સિનિયર સ્ટેશન ઓફિસર (સિનિયર SO) અને ત્રણ સ્ટેશન ઓફિસર (SO) સહિત વરિષ્ઠ કર્મચારીઓ ઘટનાસ્થળે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે હાજર થયા છે.
View this post on Instagram
વર્તમાન સ્થિતિ કેવી છે?
ગોરેગાંવના ફર્નિચર માર્કેટમાં લાગેલી આગમાં અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. અધિકારીઓ આગને કાબૂમાં લેવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે અને પરિસ્થિતી વધુ વકરી ન જાય તે માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામા આવી રહી છે.
થાણેની ઈમારતમાં પણ ફાટી નીકળી હતી આગ
થાણે વેસ્ટની વાગળે એસ્ટેટમાં આવેલા ચાર માળના ગંગા વિહાર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લૉન્ડ્રીમાં ગઈ કાલે સવારે ૫.૧૦ વાગ્યે લાગેલી આગને કારણે સખત ધુમાડો થયો હતો, જે ઉપરના ચાર માળ સુધી ફેલાયો હતો. જોકે ફાયરબ્રિગેડે સાવચેતી દાખવી ઝડપી પગલાં લઈ એ બિલ્ડિંગના ચાર માળના ૪૮ ફ્લૅટમાં રહેતા ૨૫૦ જેટલા લોકોને સુખરૂપ બચાવી લીધા હતા. આ આગમાં કોઈને ઈજા નહોતી થઈ.
આ બચાવકાર્ય વિશે માહિતી આપતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેન્ટરના વડા યાસીન તડવીએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘એ જે લૉન્ડ્રી હતી એ આખા ભોંયતળિયામાં ૩૫૦૦ સ્કવેર ફીટમાં આવેલો એક જ ગાળો હતો જ્યાં મોટા પ્રમાણમાં કપડાંનો જથ્થો હતો. ત્યાં આગ લાગી હોવાથી બહુ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો જે ઉપરની તરફ ફેલાયો હતો. અમારા જવાનો અને ફાયરબ્રિગેડના જવાનોએ બિલ્ડિંગની બીજી સાઇડથી જ્યાં ધુમાડો ઓછો હતો ત્યાંથી લોકોને સુરક્ષિત ઉતાર્યા હતા. આગમાં લૉન્ડ્રીનો મોટા ભાગનો બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેમાં કપડાં, સ્ટોરેજનાં લાકડાંનાં કબાટો અને ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયાં હતાં. સવારના ૬ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.’