સાઇબર વિભાગે જણાવ્યું હતું કે, ગુનેગારી જીવનશૈલીને પ્રમોટ કરતાં આવાં ઉત્પાદનોથી યુવાનો પર ખોટી અસર પડે છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દાઉદ ઇબ્રાહિમ અને લૉરેન્સ બિશ્નોઈ બન્ને ગંભીર ગુનેગારો છે. એમ છતાં કેટલાક યુવાનો તેમને પોતાના આદર્શ માનીને તેમનું અનુકરણ કરે છે. ખાસ કરીને તેમના ફોટો સાથે વિવિધ કૅપ્શન લખેલાં ટી-શર્ટનું ઑનલાઇન માલ વેચતી ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા ધૂમ વેચાણ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સાઇબર વિભાગને આ વિશે જાણ થતાં એણે તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
સાઇબર વિભાગે જણાવ્યું હતું કે ‘ગુનેગારી જીવનશૈલીને પ્રમોટ કરતાં આવાં ઉત્પાદનોથી યુવાનો પર ખોટી અસર પડે છે. તેમનાં સામાજિક મૂલ્યોનું અધ:પતન થાય છે અને એ ગુનેગારીને પોષનારું બની રહે છે એટલે મહારાષ્ટ્ર પોલીસના સાઇબર વિભાગે એવાં ઉત્પાદનો વેચતી ફ્લિપકાર્ટ, અલી એક્સપ્રેસ, ટીશૉપર અને ઇટ્સી કંપની સામે ગુનો નોંધીને FIR નોંધ્યો છે. હવે પછી આવી વસ્તુઓનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.’