મેટ્રો એક્વા લાઇન ૩ના આરેથી BKCના પહેલા તબક્કાનું ફાઇનલ ટેસ્ટિંગ શરૂ: આ ફેઝમાં ૧૦ સ્ટેશન: સવારે ૬થી રાત્રે ૧૧ સુધી બન્ને દિશામાં ૧૩૦ સર્વિસ
મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ૩
એક્વા લાઇન તરીકે ઓળખાનારી મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ૩ના પહેલા ફેઝને આવતા મહિને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે. રિસર્ચ ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન (RDSO)ની એક ટીમ લાઇન ૩ના ટ્રાયલ માટે આવી ગઈ છે અને એણે ટ્રેનમાં ઇક્વિપમેન્ટ લગાવવાની શરૂઆત કરી દીધી છે. આ ટીમ ટ્રાયલ્સ લેશે અને પછી રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી માટેની પ્રક્રિયાને ગ્રીન સિગ્નલ આપશે.
આ લાઇનમાં પહેલા ફેઝમાં આરેથી બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) અને બીજા ફેઝમાં BKCથી કોલાબા સુધીનો વિસ્તાર આવરી લેવાયો છે. પહેલા ફેઝમાં આરેથી BKC સુધી ૧૦ સ્ટેશનો છે. પહેલા ફેઝમાં નવ ટ્રેનોની જરૂર પડશે જે પૈકી એક ટ્રેનને મેઇન્ટેનન્સ માટે મોકલાશે અને એક સ્ટૅન્ડ બાય રાખવામાં આવશે. બાકીની સાત ટ્રેનો પૅસેન્જર-સર્વિસમાં ઍક્ટિવ રહેશે. બીજો ફેઝ શરૂ થયા બાદ કુલ ૩૧ ટ્રેનોની જરૂર પડશે.
ADVERTISEMENT
પહેલા ફેઝમાં હાલમાં રોજ ૨૬૦ સર્વિસ દોડાવવામાં આવશે જે પૈકી ૧૩૦ સર્વિસ આરેથી BKC સુધી અને ૧૩૦ સર્વિસ BKCથી આરે સુધી દોડાવાશે. પૅસેન્જરોના રિસ્પૉન્સના આધારે સવારે ૬થી રાતે ૧૧ વાગ્યા સુધી આ ટ્રેન-સર્વિસ ઉપલબ્ધ રહેશે.
ઘાટકોપર-વર્સોવા મેટ્રો-વનને થયાં ૧૦ વર્ષ : પૂરી કરી ૧૧ લાખ ટ્રિપ ઃ કુલ ૧૨.૬ કરોડ કિલોમીટરનો પ્રવાસમુંબઈમાં પહેલી મેટ્રો ટ્રેન ૨૦૧૪માં ૮ જૂને ઘાટકોપરથી વર્સોવા વચ્ચે શરૂ થઈ હતી અને ગઈ કાલે આ સર્વિસને ૧૦ વર્ષ પૂર્ણ થયાં હતાં. મુંબઈ મેટ્રો-વન પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું હતું કે મુંબઈ મેટ્રો-વને સફળતાપૂર્વક ૧૧ લાખ સર્વિસ પૂર્ણ કરી છે અને ૧૦ વર્ષ પહેલાં શરૂ થયાથી આજ સુધી એની ટ્રેનો ૯૯ ટકા સમયસર દોડે છે.
મેટ્રો-વનના કૉરિડોરમાં ૧૨ સ્ટેશનોનો સમાવેશ છે અને પશ્ચિમનાં ઉપનગર વર્સોવાથી શરૂ થઈને ઈસ્ટર્ન સબર્બ્સના ઘાટકોપરને જોડે છે. ૧૦ વર્ષમાં મેટ્રો વનની ૧૬ ટ્રેનોએ સંયુક્ત રીતે કુલ ૧૨.૬ કરોડ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. એક ટ્રેને આશરે ૭૯ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. હાલમાં આ કૉરિડોરમાં વીક-ડેમાં રોજ ૪૧૮ ટ્રિપ દોડાવવામાં આવે છે અને આશરે ૪.૫ લાખ પ્રવાસી એમાં પ્રવાસ કરે છે. પીક-અવર્સમાં દર ૩.૫ મિનિટે અને ઑફ પીક-અવર્સમાં દર ૭ મિનિટે એક સર્વિસ ઉપલબ્ધ છે.
ટૉપ રૂટ્સ
સ્ટેશનથી સ્ટેશન રોજ પ્રવાસીઓની સંખ્યા
ઘાટકોપરથી અંધેરી ૩૬,૦૦૦
અંધેરીથી સાકીનાકા ૩૪,૦૦૦
ઘાટકોપરથી મરોલ નાકા ૩૩,૦૦૦
ઘાટકોપરથી સાકીનાકા ૨૭,૦૦૦
ઘાટકોપરથી ચકાલા ૨૬,૫૦૦
ટૉપ પાંચ સ્ટેશન
સ્ટેશન રોજ પ્રવાસીઓની સંખ્યા
ઘાટકોપર ૧,૧૫,૦૦૦
અંધેરી ૮૩,૦૦૦
સાકીનાકા ૪૦,૦૦૦
મરોલ નાકા ૩૮,૦૦૦
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ૩૭,૦૦૦