તહેવારોની સીઝન હોવાથી એફડીએએ પણ લોકોને ખરીદી કરતાં પહેલાં સાવચેત રહેવા કહ્યું
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે તહેવારોની સીઝન આવે એટલે ઓછા રોકાણે વધુ લાભ મેળવવાના ચક્કરમાં મીઠાઈમાં વપરાતા મૂળ ઇન્ગ્રેડિયન્ટ એવા માવામાં ભેળસેળ કરીને એ માર્કેટમાં છૂટથી વેચાતો હોય છે અને એની મીઠાઈ બનાવવામાં આવે છે. જોકે એવા માવાની મીઠાઈ ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર એની અવળી અસર પડતી હોય છે. એથી એફડીએ (ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન) દ્વારા એના પર કાર્યવાહી કરાતી હોય છે. આ વર્ષે પણ એફડીએ દ્વારા એવો માવો વેચતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નવરાત્રિ, દશેરા અને દિવાળીમાં નાનામાં નાનો મુંબઈગરો પણ તેની કૅપેસિટી પ્રમાણે એની ઉજવણી કરતો જ હોય છે. એથી તહેવારોની આ મોસમમાં મીઠાઈનું વેચાણ બહુ વધી જતું હોય છે. હવે બને છે એવું કે મીઠાઈમાં વપરાતો માવો પૅરિશેબલ છે. એ બહુ લાંબો ટકી ન શકે. એનો ચોક્કસ સમયગાળામાં ઉપયોગ કરી લેવો જોઈએ અથવા એ બગડી જાય. એવા માવામાંથી બનાવેલી મીઠાઈ બગડી જાય અને લોકોને એવી બગડેલા માવાની મીઠાઈથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે. જોકે તહેવારોની સીઝનમાં મીઠાઈની ડિમાન્ડમાં આવતા ઉછાળા સામે એટલા પ્રમાણમાં માવો તૈયાર થઈ શકતો નથી એટલે એમાં ભેળસેળ કરવામાં આવે છે અને એ જ બાબત લોકો માટે જોખમી છે. એમાં વપરાતાં હાનિકારક તત્ત્વો લોકોના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એથી એફડીએ દ્વારા એના પર કાર્યવાહી કરાતી હોય છે.
ADVERTISEMENT
એફડીએના જૉઇન્ટ કમિશનર શૈલેશ આઢાવે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તહેવારોની સીઝનમાં ભેળસેળવાળા માવાની મીઠાઈઓ ન બને એ માટે અમે ઑલરેડી કામ ચાલુ કરી દીધું છે. અમારી વિવિધ ટીમો એ માટે કામ કરી રહી છે અને મીઠાઈની દુકાનો અને કારખાનાંઓ પર વિઝિટ કરી રહી છે. બહારગામની ટ્રેનોમાં અન્ય રાજ્યોમાંથી આવતા ભેળસેળવાળા માવા પર પણ અમે નજર રાખી રહ્યા છીએ. લોકોને પણ અમે આહવાન કરીએ છીએ કે જો કોઈ દુકાનદાર દ્વારા બનાવટી કે ભેળસેળિયા માવાનો ઉપયોગ કરાતો હોવાની જાણ થાય તો અમને જાણ કરે, અમે કાર્યવાહી કરીશું.’