પુણેથી ઘાટકોપર મૅરેજમાં આવેલા પરિવારનાં ઘરેણાં અને રોકડ લગ્નમંડપની બહાર પાર્ક કરેલી કારમાંથી ચોરાઈ ગયાં
Crime News
પ્રતીકાત્મક તસવીર
પુણેથી ઘાટકોપર લગ્નપ્રસંગે આવેલા પરિવારના દાગીના લગ્નમંડપની બહાર પાર્ક કરેલી કારમાંથી ચોરાઈ ગયા હતા. એ પછી આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ સ્ટેશને નોંધીને તપાસ શરૂ કરી છે. દાગીના અને રોકડ ચોરવા માટે ચોરે કારના પાછળના દરવાજાનો કાચ ધારદાર વસ્તુથી તોડ્યો હતો. ઘાટકોપર પોલીસ સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીને શોધવાની કોશિશ કરી રહી છે.
પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારની રામનગર ગલીમાં રહેતા અને પીએમટીમાં નોકરી કરતા ૩૨ વર્ષના અલ્પેશ ચૌહાણે કરેલી ફરિયાદ અનુસાર ૨૭ નવેમ્બરે પિતરાઈ બહેનનાં લગ્ન હોવાથી ૨૬ નવેમ્બરે તે ઘાટકોપર આવ્યો હતો. ૨૭ નવેમ્બરે બહેનનાં લગ્ન એલબીએસ રોડ પર કચ્છી કડવા પાટીદાર વાડીમાં હોવાથી તે પોતાની તમામ વસ્તુઓ અને બહેનને આપવા માટેની ગિફ્ટ વાડીમાં સંભાળવી ન પડે એ માટે કારમાં જ રાખી કારને એલબીએસ રોડ પર પાર્ક કરીને વાડીમાં ગયો હતો. બપોરે ત્રણ વાગ્યે તે બહેનને ગિફ્ટ આપવા માટે કારમાંથી ગિફ્ટ લેવા ગયો ત્યારે કારનો દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. દરવાજો ખોલીને જોતાં કારમાં રાખેલાં લગ્નમાં ગિફ્ટ આપવા માટેની બુટ્ટી, મમ્મીની બૅગ રાખેલી રોકડ અને ચેઇન ચોરાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. તેણે આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ADVERTISEMENT
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. જે વિસ્તારમાં કાર પાર્ક કરી હતી એની બાજુમાં આવેલી એક હોટેલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે આરોપીને ઓળખવાની કોશિશ અમે કરી રહ્યા છીએ.’