દુકાનોમાં રિનોવેશનનું કે ફર્નિચરનું કામ ચાલતું હોય ત્યાં જઈને વેપારીઓની કનડગત કરી રહેલી ગૅન્ગ ‘સી’ વૉર્ડમાં સક્રિય
કાલબાદેવીની ભારત ચેમ્બર ટ્રસ્ટની ઑફિસના CCTV કૅમેરામાં ઝડપાયેલા મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓ, મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓની વિરુદ્ધ ભારત ચેમ્બર ટ્રસ્ટની અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર અને એલ. ટી. માર્ગમાં લેખિતમાં કરવામાં આવેલી ફરિયાદ.
મુંબઈના મહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડમાં કાલબાદેવી, ભુલેશ્વર, પ્રિન્સેસ સ્ટ્રીટ, ઝવેરીબજાર, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, નાગદેવી સ્ટ્રીટના વિસ્તારોમાં આવેલી જથ્થાબંધ બજારોમાં છેલ્લા થોડા મહિનાઓથી મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓ જે દુકાનોમાં રિનોવેશન કે ફર્નિચરનાં કામ ચાલતાં હોય ત્યાં જઈ વેપારીઓને ધાકધમકી આપીને પૈસા વસૂલ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારે મહાનગરપાલિકાના કર્મચારીઓ બનીને લૂંટ ચલાવી રહેલા અમુક લોકોએ છેલ્લા દોઢ મહિનામાં અનેક વાર કાલબાદેવીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓના બનેલા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ભારત ચેમ્બર ટ્રસ્ટની ઑફિસને ટાર્ગેટ કરતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. એની સામે ચેમ્બરે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર, ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અને એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે. ટ્રસ્ટની ફરિયાદ પર બન્ને ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે. આ દરમ્યાન ક્લીન-અપ માર્શલની કંપનીએ ગઈ કાલે પોલીસ પાસે મહાનગરપાલિકાના ચાર બનાવટી કર્મચારીઓનાં નામ જાહેર કર્યાં હતાં.