જીએસટી સેટલમેન્ટ કરવાની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટું વળતર મેળવવાની લાલચ આપીને લોકોને છેતરતો હોવાનું તપાસમાં જણાયું
Crime News
નકલી સીબીઆઇ કમિશનર કાશીમીરા પોલીસ સાથે
જીએસટી બિલનું ઍડ્જસ્ટમેન્ટ કરવાની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીને સારું વળતર મેળવવાની લાલચ આપીને વેપારી પાસેથી ૨૬ લાખ રૂપિયા પડાવનારા નકલી સીબીઆઇ અધિકારીની પોલીસે મીરા રોડમાંથી બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી. આરોપી મોટી હોટેલોમાં વેપારીઓ સાથે મીટિંગ કરીને તેના મોટા અધિકારીઓ સાથે સારા કૉન્ટૅક્ટ હોવાનું કહીને જાળમાં ફસાવતો હતો. નાયગાંવના એક સ્ટીલના વેપારી પાસેથી ૨૬ લાખ રૂપિયા લીધા બાદ પેમેન્ટ પાછું ન આપવાના મામલામાં કાશીમીરા પોલીસે આ નકલી સીબીઆઇ અધિકારીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ નાયગાંવમાં રહેતા સ્ટીલના વેપારી દિનેશ પ્રતાપ સિંહની મુલાકાત બીજા એક વેપારીના માધ્યમથી મીરા રોડના બેવર્લી પાર્કમાં રહેતા ૪૩ વર્ષના સોહેલ અબ્દુલ ખાન નામના કહેવાતા સીબીઆઇ કમિશનર સાથે એક હોટેલમાં થઈ હતી. ફરિયાદી દિનેશ સિંહે તેનાં કેટલાંક જીએસટી બિલનું સેટલમેન્ટ કરવાનું સોહેલ ખાનને કહ્યું હતું. સોહેલ ખાને પોતાની બધી ઑફિસમાં મોટી ઓળખાણ છે અને કામ સરળતાથી થઈ જશે એમ કહેવાની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું રિટર્ન મળશે એમ જણાવતાં તેના પર વિશ્વાસ મૂકીને દિનેશ સિંહે તેને ૨૬ લાખ રૂપિયા આપ્યા હતા.
રૂપિયા લીધા બાદ સોહેલ ખાને ફરિયાદી દિનેશ સિંહ સાથેની વાતચીત ઓછી કરી નાખી હતી. આથી દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં દિનેશ સિંહે તેની જે ઑફિસમાં જીએસટી બિલનું સેટલમેન્ટની વાત ચાલતી હતી ત્યાં તપાસ કરી હતી. અહીં તેને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈ સોહેલ ખાન નામના સીબીઆઇ કમિશનરને નથી ઓળખતા અને તેણે બિલ બાબતે કોઈ વાત નથી કરી હતી. આથી દિનેશ સિંહે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સોહેલ ખાન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ફરિયાદ નોંધ્યા બાદ કાશીમીરા પોલીસે બે દિવસ પહેલાં સીબીઆઇ કમિશનર તરીકેની લોકોને ઓળખાણ આપતા સોહેલ ખાનની ધરપકડ કરી હતી. આરોપી મોટી હોટેલમાં બેસીને વેપારીઓને દિનેશ સિંહની જેમ ફસાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીબીઆઇના કમિશનર તરીકે ફરી રહેલા આરોપી સોહેલ ખાનની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. તેનું બૅકગ્રાઉન્ડ શું છે? તે ક્યાંનો છે? તેની પાછળ કોઈ મોટી વ્યક્તિનો હાથ તો નથીને? તેણે ફરિયાદી દિનેશ સિંહની જેમ કેટલા લોકોને આવી રીતે ફસાવ્યા છે એ જાણવાનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ. કોર્ટમાંથી તેની ૧૪ સપ્ટેમ્બર સુધી કસ્ટડી મેળવી છે.’