મનોજ જરાંગે પાટીલના આરોપ સામે દેવેન્દ્ર ફડણવીસનો જવાબ
મનોજ જરાંગે પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસની તસવીરોનો કૉલાજ
મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી સાથે આંદોલન કરનારા મનોજ જરાંગે પાટીલે આરોપ કર્યો છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આરક્ષણ આપવા માગે છે, પણ દેવેન્દ્ર ફડણવીસ તેમને રોકી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે મનોજ જરાંગે પાટીલના આરોપને ફગાવી દેતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જો કહે કે મરાઠા આરક્ષણ બાબતે તેમણે કોઈ નિર્ણય લીધો હોય અને એમાં હું અડચણ કરી રહ્યો છું તો હું રાજીનામું આપી દઈશ અને રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ. મને ખબર છે કે મનોજ જરાંગે પાટીલને મારા પર વિશેષ પ્રેમ છે. તેમણે જોવું જોઈએ કે રાજ્યના બધા અધિકાર મુખ્ય પ્રધાન પાસે હોય છે. બધા પ્રધાન મુખ્ય પ્રધાને આપેલા અધિકાર પર કામ કરે છે. હું એનાથી આગળ જઈને કહું છું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને હું એકસાથે ખભેખભા મિલાવીને કામ કરીએ છીએ. આથી મનોજ જરાંગે પાટીલે મરાઠા આરક્ષણ વિશેનો સવાલ મુખ્ય પ્રધાનને કરવો જોઈએ.’