સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ લોકલની જેમ જતી હોવાથી ૧૮થી ૨૦ કલાક લાગતાં કંટાળી ગયેલા મુંબઈ અને સૌરાષ્ટ્રના વેપારીઓએ પીએમને લખ્યા પત્ર
ફાઇલ તસવીર
ભારતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. જોકે સોમનાથ જવા માટે રેલવે સેવાની સુવિધા પૂરતી ન હોવાથી પ્રવાસીઓએ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ૧૮થી ૨૦ કલાકનો પ્રવાસ કરવો પડે છે. એથી રેલવે પૅસેન્જર્સ અસોસિએશન સાથે હવે મુંબઈ અને સૌરાષ્ટ્રનાં અનેક વેપારી અસોસિએશનોએ પત્ર મોકલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વંદે ભારત ટ્રેનને મુંબઈ સેન્ટ્રલથી સોમનાથ દોડાવવા માગણી કરી છે. રેલવે બોર્ડ માટે શક્ય હશે તો એ માગણીને પૂરી પણ કરશે એવું વેસ્ટર્ન રેલવેનું કહેવું છે.
સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના મંત્રી નીતિન વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈથી મોટી સંખ્યામાં લોકો અને ફૉરેન ટૂરિસ્ટો પણ સોમનાથ દર્શન કરવા જતા હોય છે. મુંબઈથી સોમનાથનું અંતર આશરે ૯૦૦ કિલોમીટર ટ્રેન દ્વારા થાય છે. હાલમાં બાંદરાથી વેરાવળ ટ્રેન જાય છે અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન દ્વારા પ્રવાસ કરતાં આશરે ૧૮થી ૨૦ કલાકનો સમય લાગે છે. આ ટ્રેનને અસંખ્ય સ્ટૉપેજ આપેલાં હોવાથી પ્રવાસીઓ લોકલમાં પ્રવાસ કરતા હોવાનો અનુભવ કરે છે. આ ટ્રેનને અધવચ્ચે સાઇડિંગ કરીને સુપરફાસ્ટ, મેલ, એક્સપ્રેસ, ગુડ્સ ટ્રેનને આગળ કરાય છે. એથી વહેલામાં વહેલી તકે વંદે ભારત ટ્રેનને ‘જય સોમનાથ’ નામ આપીને શરૂ કરવામાં આવે એવી વિનંતી કરતો પત્ર અમે સીધો વડા પ્રધાનને મોકલ્યો છે. ફક્ત પ્રવાસી અસોસિએશનો જ નહીં, મુંબઈ અને સૌરાષ્ટ્રનાં અનેક વેપારી અસોસિએશનોએ પણ પત્રો લખીને નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી દીધા છે અને આશા રખાઈ છે કે આ માગણી પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવશે. મુંબઈથી રાજકોટ ડબલ લાઇન છે, જ્યારે રાજકોટથી સોમનાથ એક લાઇન છે અને આ રૂટ પર ટ્રેનોની ફ્રીક્વન્સી ઓછી હોવાથી વંદે ભારત સ્મૂધલી અહીં ચાલી શકે છે.’
ADVERTISEMENT
રાષ્ટ્રીય રેલ ઉપભોક્તા પરિષદના ભૂતપૂર્વ સદસ્ય શૈલેશ ગોયલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ત્રણ વખત એનઆરયુસીસીનો રેલવે બોર્ડ પર સભ્ય રહી ચૂક્યો છું. સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓની સંખ્યા સારીએવી હોવા છતાં આ રૂટ પર કોઈ પ્રીમિયમ ટ્રેન દોડી રહી નથી. રેલવે દ્વારા જાહેરાત કરાઈ છે કે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેન પણ શરૂ થશે. એ શરૂ થશે તો મુંબઈ-સોમનાથ માટે આ સારો વિકલ્પ બનશે. વંદે ભારતનું પ્રોડક્શન સૌથી ઝડપી છે. વંદે ભારત સીટિંગમાં છે તો એટલો સમય બેસીને સોમનાથ સુધી એને લઈ જવી ટેક્નિકલ બાબત પર નિર્ભર કરે છે. જોકે આ માગણી અત્યંત જરૂરી છે, કારણ કે અહીં પ્રીમિયમ ટ્રેનની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે.’
કોણે-કોણે પત્રો લખ્યા?
કાલબાદેવીના ભારત મર્ચન્ટ્સ ચેમ્બર, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર, હિન્દુસ્તાન ચેમ્બર ઑફ કોમર્સ, મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, સ્વદેશી માર્કેટ, વેરાવળની શ્રી સોરઠ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી જૂનાગઢ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મંગલદાસ માર્કેટ ક્લોથ મર્ચન્ટ્સ અસોસિએશન વગેરે મુંબઈ અને સૌરાષ્ટ્રના વેપારી વર્ગો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પહોંચાડવામાં આવ્યા છે.
રેલવેનું શું કહેવું છે?
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લોકોની માગણી છે તો એ રૂટની વિઝિબિલિટી, અવેલેબિટી અને કઈ રીતે શક્ય છે એ બધું જોઈને રેલવે બોર્ડ આના પર નિર્ણય લઈ શકે છે. વંદે ભારતનું પ્રોડક્શન એકદમ સ્પીડમાં થઈ રહ્યું હોવાથી આગામી સમયમાં મોટી સંખ્યામાં વંદે ભારત આવશે. લાંબું અંતર હોય, પણ રેલવેને રૂટ યોગ્ય લાગશે તો આ રૂટની સેવા શરૂ પણ કરી શકાય છે. જોકે આ નિર્ણય રેલવે બોર્ડનો હોવાથી એના વધુ કહી શકાશે નહીં.’