થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં ચાલી રહેલા આ બખડજંતરનો ‘મિડ-ડે’ના રિપોર્ટરોએ કર્યો પર્દાફાશ
‘મિડ-ડે’નો રિપોર્ટર સમીઉલ્લા ખાન અને મેન્ટલ હૉસ્પિટલમાં કાર્યરત પુરુષ નર્સ સુનીલ શિંદે.
મુંબઈ : માનસિક રોગીઓ માટેના આશ્રયસ્થાન સમાન એશિયાની સૌથી મોટી થાણે મેન્ટલ હૉસ્પિટલ હંમેશાં ખોટાં કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં એના એક પેશન્ટને મરે ત્યાં સુધી મારવામાં આવ્યો હતો. એની સામે તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ કેસ વિશે વધુ જાણવાના પ્રયાસમાં ‘મિડ-ડે’ને આ હૉસ્પિટલમાં ચાલતા મોટા બખડજંતરની માહિતી મળી હતી. એક મહિનાની તપાસ દરમ્યાન ‘મિડ-ડે’ના પત્રકારો સમીઉલ્લા ખાન અને ફૈઝાન ખાનને જાણવા મળ્યું હતું કે માત્ર ૮,૨૦૦ રૂપિયાની લાંચ આપીએ તો સારા લોકોને ગાંડા હોવાનું પ્રમાણપત્ર મળીને રહેવા મળી જાય છે.
સમીઉલ્લા ખાને (રિપોર્ટર-૧) પોતાના ‘ભાઈ’ ફૈઝાન ખાનને (રિપોર્ટર-૨ ગાંડા તરીકે) હૉસ્પિટલમાં દાખલ કરવા માટે સ્ટાફનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં તો કર્મચારીઓએ ભાઈને દાખલ કરવામાં કોઈ રસ દેખાડ્યો નહોતો, પરંતુ ઘણી મુલાકાત બાદ હૉસ્પિટલના એક વૉર્ડનો ઇન્ચાર્જ ૮,૨૦૦ રૂપિયાની લાંચના બદલામાં તમામ મુશ્કેલીઓ દૂર કરવા તૈયાર થયો હતો. પેશન્ટની મેડિકલ હિસ્ટરી પુછાઈ પણ એને સાચી ઠેરવતા ડૉક્યુમેન્ટ્સ માગ્યા નહોતા. લાંચ આપવામાં આવતાં ફૈઝાન ખાનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા માટે તૈયાર પણ થયા હતા. તમામ પુરાવાઓ ભેગા કરીને રિપોર્ટરોએ ફૈઝાન ખાનને વૉર્ડબૉયને સોંપતાં પહેલાં હૉસ્ટિલમાંથી રવાના થઈ ગયા હતા.
રિપોર્ટ મુજબ કુલ ૨૫૦ દરદીઓના પરિવારો તેમને અહીં છોડીને જતા રહ્યા છે. એમાંના કેટલાક દરદીઓ તો છેલ્લાં ૨૦ વર્ષથી અહીં રહે છે. કૌટુંબિક વિવાદો, વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન જેઓ પરિણીત છે તેઓ પોતાના જીવનમાં કોઈ વિપરીત અસર ન થાય એ માટે તેમને પાછા લઈ જતા નથી. સ્ટાફ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ આ પરિવારનું જીવન સરળ બનાવે છે
દિવસ-૧, ૪ માર્ચ ૨૦૨૩, રિસર્ચ
સમીઉલ્લા ખાને થાણે મેન્ટલ હૉસ્પિટલની મુલાકાત લઈને દરદીને કઈ રીતે અહીં ઍડ્મિશન મળે એની માહિતી મેળવી. એ માટે ફૉર્મ તથા જરૂરી દસ્તાવેજો વિશે માહિતી પણ મેળવી.
દિવસ-૨, ૧૩ માર્ચ ૨૦૨૩, સત્તાવાર કાર્યવાહી
ફૈઝાન ખાને દરદી હોવાનો ઢોંગ કર્યો. તેને ઓપીડીમાં સિનિયર સાઇકિયાટ્રિસ્ટ પાસે મોકલવામાં આવ્યો. ડૉક્ટરે તે સારો હોવોનો રિપોર્ટ આપ્યો. દરમ્યાન સમીઉલ્લાએ પોતાનો ભાઈ ઘણી વખત આક્રમક થઈ જતો હોવાનું જણાવ્યું હતું. તેને ૧૫ દિવસની દવા લખી આપવામાં આવી તેમ જ હૉસ્પિટલમાં ઍડ્મિશન જરૂરી ન હોવાનું જણાવ્યું.
દિવસ-૩, ૨૫ એપ્રિલ ૨૦૨૩, ગરબડની ખબર પડી
ઘણા દિવસોની રઝળપાટ છતાં ગરબડની ખબર પડતી નહોતી. જોકે ત્યારે એક કર્મચારીએ પુરુષ-નર્સ તરીકે કામ કરતા સુનીલ શિંદને વિશે વાત કરી. તેણે ફોન પર જ ૮,૫૦૦ રૂપિયા લઈને બે મહિના માટે ઍડ્મિશન અપાવવાની વાત કરી હતી.
દિવસ-૪, એપ્રિલ ૨૬૨૦૨૩, ૧૦૦ ટકા ઍડ્મિશન
સુનીલ શિંદે હૉસ્પિટલનો કર્મચારી છે કે નહીં એ જાણવા સમીઉલ્લા ખાન હૉસ્પિટલમાં ગયો. ત્યાં સુનીલ શિંદેએ ૮,૫૦૦ રૂપિયામાં ઍડ્મિશન આપવાની ખાતરી આપી, પરંતુ રિસીટ માત્ર ૨,૦૫૦ રૂપિયાની જ મળશે એમ કહ્યું. ડૉક્ટરે ના પાડી હોવા છતાં તેણે ઍડ્મિશન મળી જ જશે એવું ખાતરીપૂર્વક જણાવ્યું હતું.
દિવસ-૫, બીજી મે ૨૦૨૩, ઍડ્મિશનનો દિવસ
ફૈઝાન ખાનને લઈને સમીઉલ્લા ખાન હૉસ્પિટલમાં ગયો. ત્યાં સુનીલ શિંદેએ એક વ્યક્તિની પટાવાળા તરીકે ઓળખાણ કરાવી. તેનું નામ સતીશ વુંજલ હતું. તે તેમને સીધો ડૉક્ટર પાસે લઈ ગયો તેમ જ તેની ફાઇલ કાઢી. આ બે જણને અંદર લઈ જવાયા એ પહેલાં સતીશ વુંજલે ડૉક્ટર સાથે વાત કરી. ડૉક્ટર ફૈઝાન ખાન સાથે વાત કરતો હતો એ દરમ્યાન તેને હૉસ્પિટલના ડીનનો ફોન આવ્યો અને તે ત્યાંથી ચાલ્યા ગયા. દરમ્યાન તેની વિવિધ ટેસ્ટ કરવામાં આવી. સિનિયર ડૉક્ટરે ફૈઝાન ખાનને સ્કિઝોફ્રેનિયા હોવાનું કહ્યું. આ એક ગંભીર પ્રકારનો માનસિક રોગ છે.
ADVERTISEMENT
(BY- સમીઉલ્લા ખાન અને ફૈઝાન ખાન)