બાળપણથી જ પ્લેન ઉડાડવાના શોખીન રતન તાતાને થયેલા આવા અનુભવો ઉપરાંત અનેક સંભારણાંઓ તેઓ તાતા ગ્રુપના ચૅરમૅનપદેથી રિટાયર થયા ત્યારે એક આદરાંજલિ તરીકે બહાર પાડવામાં આવેલા પુસ્તકમાં સામેલ છે
રતન તાતા
અમે લોકો UKના પ્રવાસ માટે મુંબઈથી નીકળીને લંડન ઊતર્યા હતા. લંડન થોડા દિવસ ગાળીને UK કવર કરવાનો પ્લાન હતો. ઇમિગ્રેશનની લાઇનમાં મારાથી આગળના થોડા પ્રવાસીઓને વટાવતાં જ લગભગ છ ફુટની ઊંચાઈ ધરાવતા પ્રભાવશાળી સજ્જન નજરે ચડ્યા. ડાર્ક ગ્રે કલરનો સૂટ અને સાથે એક સહાયક, બસ. અચાનક જમણી બાજુનો દરવાજો ખૂલ્યો અને અંદરથી ઍરપોર્ટ-મૅનેજર બે મદદનીશ સાથે બહાર આવ્યા. તેમના એકના હાથમાં ફૂલોનો ગુચ્છો હતો. ઍરપોર્ટ-મૅનેજર પહેલા સજ્જન પાસે ગયા, તે સજ્જન તેમનું અભિવાદન કરવા જમણે ફર્યા. ખલ્લાસ, એક જ ક્ષણમાં રતન તાતાને મેં ઓળખી લીધા. તેમનું ચુંબકીય વ્યક્તિત્વ કોઈને પણ સંમોહિત કર્યા વગર કેમ રહે? હું પણ એમાં અપવાદ નહોતો. ઍરપોર્ટ પર ગણગણાટ ચાલુ થઈ ગયો. ઍરપોર્ટ-મૅનેજર તેમને સીધા ઇમિગ્રેશન કાઉન્ટર પર આવવા આગ્રહ કરી રહ્યા હતા અને રતન તાતા તેમને ખૂબ જ વિવેકપૂર્વક નકારી રહ્યા હતા. કેવી સાદગી! કેવી સરળતા! હું તો કેટકેટલું વિચારી રહ્યો. કદાચ મારું સપનું સાકાર થઈ રહ્યું હતું.