આ ઘટના બાદ અગાઉ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકો માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સારવાર લઈ રહેલા સભ્યો માટે સમગ્ર તબીબી ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સોમવારે વહેલી સવારે કહ્યું હતું કે નવી મુંબઈના ખારઘર (Kharghar)માં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ એવૉર્ડ સમારોહ (Maharashtra Bhushan Award)નું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું, કારણ કે ઇવેન્ટ દરમિયાન હીટસ્ટ્રોકને કારણે 11 લોકોનાં મોત થયાં હતાં.
ઈવેન્ટમાં હીટસ્ટ્રોકથી પીડિત દર્દીઓને મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, “અમે સારવાર લઈ રહેલા લોકોને મળ્યા છીએ. મેં ચારથી પાંચ દર્દીઓ સાથે વાતચીત કરી છે. તેમાંથી બેની હાલત ગંભીર હતી. આ સમારોહનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું ન હતું. આ ઘટનાની તપાસ કોણ કરશે?”
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી નેતા અજિત પવારે મહારાષ્ટ્ર ભૂષણ એવૉર્ડ સમારોહ ખારગરમાં હીટસ્ટ્રોકને કારણે અગિયાર દર્દીઓના મૃત્યુ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા એમજીએમ કામોથે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ ઘટના બાદ અગાઉ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકો માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સારવાર લઈ રહેલા સભ્યો માટે સમગ્ર તબીબી ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ખારઘર ખાતે આયોજિત ડૉ. અપ્પાસાહેબ ધર્માધિકારી મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહ દરમિયાન, કેટલાક શ્રોતાઓને હીટસ્ટ્રોકને કારણે હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. કમનસીબે, તેમાંથી 11 સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, આ એક ખૂબ જ અણધારી અને પીડાદાયક ઘટના છે.”
તેમણે ઉમેર્યું કે, “અમે તેમના પરિવારજનોના દુઃખમાં સહભાગી છીએ. આ ઘટનાની જાણ થતાં જ હું તુરંત જ કામોથેની એમજીએમ હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો અને ડૉક્ટરો તેમ જ સારવાર લઈ રહેલા સભ્યો સાથે વાત કરી હતી. વહીવટીતંત્રે સૂચના આપી છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા સભ્યોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે અને સારવાર લઈ રહેલા સભ્યોનો સંપૂર્ણ તબીબી ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.”
આ પણ વાંચો: માનકોલી ખાતે પાઈપલાઈન ફાટ્યા બાદ થાણેમાં ફરી 24 કલાકનો પાણી કાપ
સમારંભમાં હીટસ્ટ્રોકનો ભોગ બનેલા કેટલાક લોકોને ખારઘરની તાતા હૉસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.