હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટીકરણના કામને લીધે રસ્તાઓની હાલત બિસમાર છે ત્યારે નાળાંની સફાઈનું હજી ઠેકાણું ન હોવાથી રસ્તા પર વરસાદનું પાણી ભરાવાની ભારોભાર શક્યતા
હાઇવે પરની ગટરોની સફાઈનું ઠેકાણું નથી ત્યાં વિવિધ જગ્યાએ ગટરોમાં માટી ભરાઈ ગઈ છે એટલે પાણી આવવા-જવાનો માર્ગ બંધ થવાને કારણે આ વર્ષના વરસાદમાં હાઇવે પર ફરીથી પાણી ભરાઈ જવાની ચિંતા સેવાઈ રહી છે.
ચોમાસાની શરૂઆત થવાની છે છતાં અતિ વ્યસ્ત રહેતા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરનું પાણી જતાં નાળાંની સફાઈના કામનું હજી ઠેકાણું નથી. મે મહિનો પૂરો થયો હોવા છતાં મહત્ત્વનાં નાળાંની સફાઈ થઈ નથી. હાઇવે ઑથોરિટી આ બાબતે ગંભીરતા દાખવી રહી ન હોવાથી આ વર્ષે હાઇવે ફરી પાણીમાં જશે એવી શક્યતાને કારણે લોકોએ ચિંતામાં મુકાઈ ગયા છે.
ગયા વર્ષે હાઇવે પર વર્સોવા બ્રિજથી સસુપાડા, સસુનવઘર, માલજીપાડા ફ્લાયઓવર, રેલવે બ્રિજ વિસ્તાર સહિતના સ્થળોએ વરસાદનું પાણી જમા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ભારે મુશ્કેલીમાં લોકોએ અવરજવર કરવી પડી હતી. આ ઉપરાંત ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાય છે ત્યારે ચિંચોટી હાઇવેના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં ટ્રાફિક-પોલીસને મુશ્કેલી પડે છે. આ વર્ષે આવી કોઈ સમસ્યા ઊભી ન થાય એ માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે મુખ્યાલયમાં એક બેઠક યોજી હતી અને સૂચન કર્યું હતું કે હાઇવેની બાજુમાં માટીનો ભરાવો દૂર કરવો અને ભરાઈ ગયેલી ગટરોને સાફ કરવી.