મારા વિરોધમાં કાકાએ ઉમેદવાર ઊભો રાખ્યો હોવા છતાં મને કોઈ ફરક નહીં પડે
અમિત ઠાકરે
બાળ ઠાકરેના પરિવારમાં ત્રીજી પેઢી આદિત્ય ઠાકરે બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમ વિધાનસભાની બેઠક પર ઉમેદવારી આપવામાં આવી છે. પહેલી વખત ચૂંટણી લડી રહેલા અમિત ઠાકરેએ કાકા ઉદ્ધવ ઠાકરેએ પોતાની સામે ઉમેદવાર ઊભો રાખવા વિશે અને પોતે શું અનુભવ કરી રહ્યો છે એ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘બાળાસાહેબથી લઈને રાજસાહેબ સુધી કોઈ ચૂંટણી લડ્યું નથી એટલે વિધાનસભામાં જવું, જનતાના સવાલ માંડવા એ મારા દ્વારા તેમને પહેલી વખત જોવા મળશે. મતોના રાજકારણમાં ઊતરવું એ સમયની ડિમાન્ડ છે. રિમોટ કન્ટ્રોલનો સમય રાજસાહેબ સુધી જ છે. સાહેબ જેવી મારી પકડ નથી. મારે કોઈક રીતે તો સક્રિય રાજકારણમાં ઊતરવું પડશે. મારા વિરોધમાં કાકા ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર આપ્યો છે તો પણ મને કોઈ ફરક નહીં પડે. હું આવતી કાલથી ચૂંટણીપ્રચાર શરૂ કરીશ. મને ઉમેદવારી આપવાનો કૉલ રાજસાહેબનો હતો અને ચૂંટીને લાવવાનો કૉલ જનતાનો છે. મને સાહેબ અને જનતા બન્ને પર વિશ્વાસ છે. આથી મેં બધું મતદારો પર છોડ્યું છે.’
ઉલ્લેખનીય છે કે માહિમ વિધાનસભા બેઠક પર એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવણકર બે ટર્મથી વિધાનસભ્ય છે અને તેમને ફરી અહીં ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ગઈ કાલે મહેશ સાવંતને આ બેઠક પર ઉમેદવારી આપી હોવાથી હવે અહીં ત્રિકોણીય જંગ જોવા મળશે.