આંકડાકીય રીતે મહારાષ્ટ્ર સરકાર એકદમ સલામત છે
અજીત પવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહારાષ્ટ્રમાં બહુમત હોવા છતાં અજિત પવારને સામેલ કરવાને લીધે લોકસભાની ચૂંટણીમાં નુકસાન થયું હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખપત્ર ઑર્ગેનાઇઝરમાં લખાયા બાદ અજિત પવાર સરકારમાં રહેશે કે હટી જશે એની ચર્ચાએ જોર પકડ્યું છે. અજિત પવાર સરકારમાંથી ખસી જાય અથવા તો BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અજિત પવારને મહાયુતિમાંથી નીકળી જવાનું કહે તો પણ રાજ્ય સરકાર પાસે બહુમતી છે એટલે કોઈ જોખમ નથી અને આગામી વિધાનસભાની ચૂંટણી સુધી આ સરકાર કાયમ રહી શકે છે.
આંકડાકીય રીતે જોઈએ તો મહાયુતિ પાસે અત્યારે ૨૮૮માંથી BJPના ૧૦૩, શિવસેનાના ૩૮, અજિત પવારના ૪૦ તેમ જ નાના પક્ષો અને અપક્ષ મળીને કુલ ૨૦૩ વિધાનસભ્ય છે. અજિત પવાર સરકારમાંથી બહાર નીકળી જાય તો પણ સરકાર પાસે ૧૬૩ વિધાનસભ્યો રહે છે જે બહુમતીના ૧૪૫ના આંકડાથી વધુ છે.
BJP ૧૫૦+ બેઠક પર લડશે?
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી બાદની સ્થિતિમાં BJP મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો લડવાની તૈયારી કરી રહી હોવાનું કહેવાય છે. આમ કરીને BJP રાજ્યમાં વધુ ને વધુ બેઠક મેળવવા માટે પ્રયાસ કરશે. એકનાથ શિંદે અને અજિત પવારને સાથે રાખવામાં આવે તો BJP માટે મુશ્કેલ સ્થિતિ થઈ શકે છે. BJP વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારને બદલે પોતાના જૂના સહયોગી શિવસેના સાથે યુતિ કરી શકે છે.