ઈન્ડિગો એરલાઈન (Indigo Airline)ની મુંબઈ-રાંચી ફ્લાઈટ (Mumbai Rachi flight)માં મુસાફરને લોહીની ઊલટી થઈ હતી. જેને કારણે નાગપુરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
ઈન્ડિગો એરલાઈન (Indigo Airline)ની મુંબઈ-રાંચી ફ્લાઈટ (Mumbai Rachi flight)નું સોમવારે સાંજે મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ મુંબઈથી રાંચી જઈ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટમાં સવાર એક મુસાફરને અચાનક લોહીની ઉલટી થવા લાગી, જે બાદ ફ્લાઈટનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પરંતુ મુસાફરની સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ દેવાનંદ તિવારી તરીકે થઈ છે. KIMS હોસ્પિટલના ડીજીએમ એજાઝ શમીએ જણાવ્યું હતું કે 62 વર્ષીય તિવારી કિડનીની બિમારી અને ક્ષય રોગથી પીડિત હતા.
ખરેખર, દેવાનંદ તિવારી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E 5093માં મુસાફરી કરી રહ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ. તેને મોટી માત્રામાં લોહીની ઉલટી થઈ અને તેનું મૃત્યુ થયું.
ADVERTISEMENT
ઉડાન પહેલા પાયલોટનું મોત
નોંધનીય છે કે ગત અઠવાડિયે જ નાગપુરથી આવા જ વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા હતા. નાગપુર એરપોર્ટ પર ટેક ઓફ પહેલા એક પાયલટનું મોત થયું હતું. ઈન્ડિગો એરલાઈનની આ ફ્લાઈટ નાગપુરથી પુણે જવાની હતી ત્યારે અચાનક સમાચાર આવ્યા કે બોર્ડિંગ ગેટ વિસ્તાર પાસે પાઈલટ બેભાન થઈ ગયો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના 17 ઓગસ્ટની છે.
ઈન્ડિગોએ એક પ્રેસ રિલીઝ જારી કરીને માહિતી આપી હતી કે નાગપુર એરપોર્ટના બોર્ડિંગ ગેટ વિસ્તારમાં એક પાઈલટનું મોત થયું છે. આ ઘટનાથી અમે દુખી છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines)ના વિમાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સનું એક વિમાન ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર અકસ્માતથી બચી ગયું હતું. એરપોર્ટના રનવે પર લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો.
જોકે, બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ઘટના એટલા માટે પણ ચિંતાજનક હતી કારણ કે છેલ્લા કેટલાય સમયથી ઈન્ડિગોના એરક્રાફ્ટ સાથે નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ પણ કોલકાતાથી આવી રહેલા ઈન્ડિગો એરબસ A321 એરક્રાફ્ટને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ટેઈલ સ્ટ્રાઈકનો સામનો કરવો પડ્યો હતો.