પૅસેન્જરો કરી રહ્યા છે આ આરોપ : બોટમાં ૯૦ની પરવાનગીની સામે ૧૦૦થી વધારે લોકો ભરવામાં આવ્યા હતા
નીલકમલ ફેરી
ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જવા નીકળેલી નીલકમલ ફેરીનો સમય બપોરના ૨.૩૦ વાગ્યાનો હતો, પણ વધુ પૅસેન્જરો ભરવાની લાયમાં એ એક કલાક મોડી નીકળી હતી. જો એ સમયસર નીકળી ગઈ હોત તો આ દુર્ઘટના ન થઈ હોત અને ૧૪ જણના જીવ પણ બચી ગયા હોત એવું પૅસેન્જરોનું કહેવું છે.
એલિફન્ટાની ગુફાઓના દરવાજા સહેલાણીઓ માટે સાંજે પાંચ વાગ્યે બંધ થઈ જાય છે. એટલે ગેટવે ઑફ ઇન્ડિયાથી ૨.૩૦ વાગ્યાની છેલ્લી ફેરી વધુમાં વધુ પોણાત્રણ વાગ્યે નીકળી જતી હોય છે. જોકે ઘણી વાર વધારે પૈસા કમાવાની લાલચમાં ફેરી મોડી છોડીને એ સમય દરમ્યાન વધુ પૅસેન્જરો ભરવામાં આવે છે અને એ બાબતે પ્રશાસનના અધિકારીઓ આંખ આડા કાન કરે છે એવો આક્ષેપ આ દુર્ઘટના બાદ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
બીજી બાજુ નીલકમલ ફેરીમાં ૯૦ પ્રવાસીઓને લઈ જવાની પરવાનગી હોવા છતાં બોટના માલિકે ૧૦૦થી વધારે પ્રવાસીઓ ભર્યા હતા અને આ જ કારણસર બોટ મોડી નીકળી હોવાનું કહેવાય છે.
સ્પીડબોટના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવ્યો એટલે અકસ્માત થયો
આ ઘટનામાં નેવીના ઘાયલ કર્મચારીએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં આવું કહ્યું
એલિફન્ટા જવા નીકળેલી નીલકમલ ફેરીને નેવીની જે સ્પીડબોટે ટક્કર મારી હતી એમાં ઘાયલ થયેલા નેવીના કર્મચારીએ તપાસ દરમ્યાન પોલીસને કહ્યું હતું કે બોટના ડ્રાઇવરે ડ્રાઇવિંગ પરથી કન્ટ્રોલ ગુમાવવાને લીધે આ અકસ્માત થયો.
આ કેસની તપાસ ચલાવી રહેલી કોલાબા પોલીસે આ અકસ્માતનું ખરું કારણ જાણવા નેવીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા નેવીના કર્મચારી કરમવીર યાદવનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. કરમવીર યાદવે કહ્યું હતું કે તેઓ જ્યારે એ બોટના એન્જિનની ટ્રાયલ લઈ રહ્યા હતા ત્યારે તેમની સ્પીડબોટના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવ્યો હતો એટલે તેમની બોટ નીલકમલ સાથે જોશભેર અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો. કોલાબા પોલીસે તેમની એ સ્પીડબોટનું પણ ઇન્સ્પેક્શન કર્યું હતું. નેવી દ્વારા આ ઘટનાની અલગથી તપાસ કરવા બોર્ડ ઑફ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે.