નેવીની ૯ બોટ અને એક હેલિકૉપ્ટરે દરિયામાં સતત શોધ ચલાવ્યા બાદ ગઈ કાલે બપોરે ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી જ ડેડ-બૉડી મળી આવી
૭ વર્ષનો જોહાન
ગેટવે ઑફ ઇન્ડિયાથી સહેલાણીઓને એલિફન્ટા લઈ જતી નીલકમલ ફેરી બુધવારે બપારે ૩.૫૫ વાગ્યે નેવીની સ્પીડબોટે ટક્કર મારતાં પલટી ખાઈ ગઈ હતી. એ દુર્ઘટનામાં અન્ય લોકો સાથે ગોવાનો ૭ વર્ષનો મોહમ્મદ જોહાન અશરફ પઠાણ પણ ડૂબી ગયો હતો. તેનો મૃતદેહ આખરે ૭૦ કલાક બાદ ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી ગઈ કાલે બપોરે ૧.૩૦ વાગ્યે નેવીને મળી આવ્યો હતો. એ મૃતદેહનો તાબો ત્યાર બાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં જોહાનની ૩૪ વર્ષની મમ્મી સકીના પઠાણનું પણ મોત થયું હતું.
આ દુર્ઘટના વખતે અશરફ પઠાણ, તેની પત્ની સકીના, જોહાન, ૧૦ મહિનાનું તેમનું અન્ય બાળક અને સાળી સોનાલી બધાં એલિફન્ટા ફરવા નીલકમલ બોટમાં સવાર થયાં હતાં. દુર્ઘટના બની ત્યારે સકીના અને જોહાન નીચેના ડેક પર હતાં, જ્યારે અશરફ તેના નાના બાળક અને સાળી સોનાલી સાથે ઉપરના ડેક પર ગયો હતો.
ADVERTISEMENT
નેવીની બોટે ટક્કર માર્યા બાદ નીલકમલ ફેરી પલટી ખાઈ ગઈ ત્યારે સકીના અને જોહાન પહેલાં પાણીમાં પટકાયાં હતાં, જ્યારે અશરફે તેના એક હાથે પલટી ખાઈ ગયેલી નીલકમલ ફેરીની રેલિંગ જોશથી પકડી રાખી હતી અને બીજા હાથમાં તેના ૧૦ મહિનાના બાળકને કોઈ ઈજા ન થાય અને પાણીમાં ન પડે એ બાબતની કાળજી રાખી હાથ ઊંચો કરીને એમ જ પકડી રાખ્યું હતું. સોનાલી પણ ફેરીને પકડીને જેમતેમ કરીને તરતી રહી હતી અને બચી ગઈ હતી. બચાવ માટે આવી પહોંચેલી માછીમારની બોટે અને નેવીની બોટે તેમને ઉગારી લીધાં હતાં.
આ દુર્ઘટનામાં સકીનાનો મૃતદેહ તો બુધવારે જ મળી આવ્યો હતો, પણ ૭ વર્ષના જોહાનનો અને ૪૩ વર્ષના મલાડના હંસારામ ભાટીનો કોઈ પત્તો નહોતો. તેમને સાગરમાં શોધવા નેવી અને મુંબઈ પોલીસના યલો ગેટ સાગરી પોલીસ-સ્ટેશનનો સ્ટાફ સતત મહેનત કરી રહ્યાં હતાં. ગુરુવારે આખરે હંસારામ ભાટીનો મૃતદેહ નીલકમલ ફેરીના કાટમાળમાં જ ફસાયેલો મળી આવ્યો હતો. ગુરુવારથી નેવીની ૯ બોટ અને એક હેલિકૉપ્ટર જોહાનની શોધ ચલાવી રહ્યાં હતાં. શુક્રવારે પણ દિવસ-રાત શોધ ચલાવ્યા બાદ આખરે ગઈ કાલે બપોરે ૧.૩૦ વાગ્યે તેનો મૃતદેહ ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી મળી આવ્યો હતો.