બીએમસીની બાયોગૅસ સંચાલિત આ પહેલી સ્મશાનભૂમિમાં એક મહિનામાં ૧૭૧ પ્રાણીઓ અને એક બર્ડના અંતિમ સંસ્કાર કરવા આવ્યા
મલાડની બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિ
મુંબઈમાં પાળેલાં પ્રાણીઓની સંખ્યા વધી રહી છે ત્યારે એમના અંતિમ સંસ્કાર કરવા માટે પૂરતી સુવિધાના અભાવે લોકોને કેટલીયે વખત હેરાનગતિ થતી હોય છે. પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે તેમણે દૂર જવું ન પડે એ માટે મલાડ-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા એવરશાઇનનગરના મલાડ કૅટલ પૉન્ડ કાર્યાલયમાં બીએમસી દ્વારા બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિનું ઉદ્ઘાટન ૧૫ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૧૭૧ પ્રાણીઓ અને એક બર્ડના અંતિમ સંસ્કાર આ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા છે.
પી-નૉર્થના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડમાં પ્રાણીઓ માટે બનેલી બીએમસીની બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિ ફ્રી ઑફ કૉસ્ટ છે. પ્રાણીના અંતિમ સંસ્કાર કર્યા પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. ૧૬ સપ્ટેમ્બરે એક રૅબિટના સૌપ્રથમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાત પૅટ ડૉગ, ૩૪ સ્ટ્રે ડૉગ, ૨૧ સ્ટ્રે કૅટ અને ત્રણ રૅબિટ એમ કુલ મળીને ૬૫ પ્રાણીઓના અંતિમ સંસ્કાર સપ્ટેમ્બર મહિનામાં કરાયા હતા; જ્યારે ૧૭ ઑક્ટોબર સુધીમાં છ પૅટ ડૉગ, ૭૧ સ્ટ્રે ડૉગ, ૨૯ સ્ટ્રે કૅટ અને એક બર્ડ એમ કુલ ૧૦૬ પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક મહિનામાં ૧૭૧ પ્રાણીઓના અંતિમ સંસ્કાર આ ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા છે. એને લોકોનો સારોએવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ કમ્બશન સિસ્ટમનો 88738 87364 નંબર પર સંપર્ક કરી શકાશે.’