એક કંપનીમાં થ્રી ફેઝના કનેક્શનને મીટરને બદલે ડાયરેક્ટ ચલાવાતું હતું ઃ કંપનીના માલિક અને ભાડૂત સામે પોલીસે એફઆઇઆર નોંધ્યો
Electricity Theft
માલવણીના રાઠોડી ગામમાં આવેલી કંપનીમાં ડાયરેક્ટ વાયરથી વીજચોરી કરવામાં આવતી હતી.
મુંબઈ ઃ મુંબઈના પરા વિસ્તારમાં વીજળી પૂરી પાડતી અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં આવેલા રાઠોડી ગામમાં તાજેતરમાં પાડેલા દરોડામાં ૪૦ લાખ રૂપિયાની વીજળીની ચોરી પકડી પાડવામાં આવી હતી. એક કંપનીએ તો થ્રી ફેઝ ડાયરેક્ટ મેળવ્યો હોવાનું જણાયું હતું. એપ્રિલ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન વીજળી કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા ૧૧,૯૮૯ કરોડ પાડ્યા હતા, જેમાં વીજળીની ચોરી કરનારા ૫૭૧ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો અને વીજળીનો દુરુપયોગ કરવાના ૬૮૧૪ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અદાણી ઇલેક્ટ્રિસિટીની વિજિલન્સ ટીમે તાજેતરમાં મલાડના માલવણી વિસ્તારમાં આવેલા રાઠોડી ગામમાં દરોડા પાડ્યા હતા. અહીંની મેસર્સ બ્રાઇટ મેટલ કોટિંગ વર્ક્સના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ૪૦ લાખ રૂપિયાની કિંમતની વીજળીની ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું. ગ્રાહક થ્રી ફેઝ વીજળી મીટરને બદલે ડાયરેક્ટ વાપરતા હોવાનું જણાતાં મેટલ કોટિંગ વર્ક્સના માલિક વિમલેશ બૈજનાથ શર્મા, ભાડૂત જોગિન્દર સિંહ અને અબ્દુલ અહમદ સૈયદ સામે વીજચોરીની કલમ ૧૩૫ હેઠળ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ૩૦ જાન્યુઆરીએ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. બાદમાં તપાસ માલવણી પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તા વિજયેન્દ્ર ભાવસારે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૦ જાન્યુઆરીએ અમારી કંપનીની વિજિલન્સ ટીમે રાઠોડી વિલેજમાં દરોડા પાડ્યા હતા, જેમાં બ્રાઇટ મેટલ કોટિંગ વર્ક્સનો મીટર ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. ડેટાના વિશ્લેષણમાં ડાયરેક્ટ વીજળી સપ્લાયની શંકા જતાં અંદર તપાસ કરવામાં આવી હતી. કંપની દ્વારા સાંજના ૫.૩૦ વાગ્યાથી ૮ વાગ્યા દરમ્યાન મીટરને બદલે ડાયરેક્ટ વીજળીની સપ્લાય કરાતી હોવાનું જણાયું હતું. આથી વીજળીચોરી રંગેહાથ પકડવા માટે ૨૫ જાન્યુઆરીની મધરાતે માલવણી પોલીસની મદદથી ફરી દરોડો પાડ્યો હતો. કંપની દ્વારા ૨,૧૭,૭૧૭ યુનિટ વીજળીનો ગેરકાયદે વપરાશ કર્યો હોવાનું જણાતાં ૪૦,૧૮,૦૦૦ લાખ રૂપિયાનું નુકસાન અદાણી ઇલેક્ટ્રિસિટીને થયું હતું. આથી કંપનીના માલિક અને ભાડૂતો સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. અમારી વિજિલન્સ ટીમે ગયા વર્ષે એપ્રિલ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન ૧૧,૯૮૯ દરોડા પાડ્યા હતા, જેમાં વીજચોરી કરનારા ૫૭૧ ગ્રાહકો સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો અને વીજળીનો અનિયમિત ઉપયોગ કરવાના ૬૮૧૪ મામલા નોંધાયા હતા. વીજચોરીને કારણે કંપનીને મોટું નુકસાન થાય છે. વીજચોરી બિનજામીનપાત્ર ગુનો છે. વીજધારાની ૨૦૦૩ની કલમ ૧૩૫ અંતર્ગત આરોપીઓનો ગુનો પુરવાર થાય તો દંડની સાથે તેને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.’