આવતી કાલે સાંજ સુધીમાં લોકોને જાણવા મળી શકે છે કે...
પ્રતીકાત્મક તસવીર
એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને કહ્યું કે ૨૨,૨૧૭ ઇલેક્ટોરલ બૉન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા એમાંથી પક્ષોએ ૨૨,૦૩૦ વટાવ્યા
ઇલેક્ટોરલ બૉન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોરના બે દિવસ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ બુધવારે ઍફિડેવિટ કરી જણાવ્યું હતું કે એના દ્વારા બૉન્ડ વિશે ચૂંટણીપંચને પેનડ્રાઇવમાં ડેટા સુપરત કરવામાં આવ્યા છે. આ ડેટા બે પીડીએફ ફાઇલમાં છે અને પાસવર્ડથી સુરિક્ષત છે.
ADVERTISEMENT
એસબીઆઇએ ઍફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ યોજના રદબાતલ કરી એ પહેલાં એપ્રિલ ૨૦૧૭થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કુલ ૨૨,૨૧૭ ઇલેક્ટોરલ બૉન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા અને એ પૈકી ૨૨,૦૩૦ બૉન્ડને રાજકીય પક્ષોએ વટાવ્યા હતા. બાકીના ૧૮૭ બૉન્ડને વટાવીને એની રકમ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ફન્ડમાં જમા કરાવવામાં આવી હતી. એસબીઆઇએ પેનડ્રાઇવમાં જે માહિતી આપી છે એમાં બૉન્ડ ખરીદનારનું નામ, તારીખ અને અમાઉન્ટ છે.
હવે આવતી કાલ સુધીમાં એસબીઆઇએ આપેલી માહિતી ચૂંટણીપંચે પોતાની વેબસાઇટ પર મૂકવાની છે. બીજી બાજુ, કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ લિસ્ટમાં કોણે કોને કેટલા રૂપિયા આપ્યા છે એ જાણવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.