છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો જેનાથી વધ કર્યો હતો એ વાઘનખ સાતારામાં જોઈ શકાશે
સાતારાના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ અને એક્ઝિબિશનના ઉદ્ઘાટન માટે પહોંચેલા મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો.
સત્તરમી સદીમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજે આદિલ શાહ સલ્તનતના શક્તિશાળી સેનાપતિ અફઝલ ખાનનો વધ જે વાઘનખથી કર્યો હતો એ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા લંડનના મ્યુઝિયમમાંથી ૩૫૦ વર્ષ બાદ પહેલી વખત ભારત લાવવામાં આવ્યા છે. સાતારાના મ્યુઝિયમની ગૅલરીમાં વાઘનખ મૂક્યા બાદ એના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ગઈ કાલે કરવામાં આવ્યો હતો. એ સમયે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે વાઘનખથી અફઝલ ખાનનાં આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં હતાં. વાઘનખથી અત્યારે કોઈનું પેટ નથી ચીરવું, પણ જેઓ વાઘનખ અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદ કરી રહ્યા છે તેમના મગજમાં લાગેલા જન્કને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દૂર કરશે. છત્રપતિના વંશજ ઉદયનરાજે ભોસલે અને શિવેન્દ્રરાજે ભોસલેએ વિનંતી કરી છે કે વાઘનખ બાબતે વિવાદ ન થવો જોઈએ. આપણા દેશમાં કેટલાક લોકોનો કોઈ ને કોઈ બાબતે વિવાદ ઊભો કરવાનો ધંધો છે. આ રોગ આજનો નથી. છત્રપતિ શિવાજી મહારાજે પણ આવા રોગનો સામનો કરવો પડ્યો હતો. સ્વરાજ્યની સ્થાપના વિશે એ સમયે કેટલાક લોકોને શંકા હતી, પરંતુ શિવાજી મહારાજે આવા લોકોની શંકાને દૂર કરીને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી.’
ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર અને તેમની ટીમ દ્વારા વાઘનખ ભારત લાવવા માટે બે વર્ષથી પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે આ વાઘનખ આવી ગયા છે અને સાતારાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આ વાઘનખ જોવા માટેના એક્ઝિબિશનને શિવશસ્ત્ર શૌર્યગાથા નામ આપવામાં આવ્યું છે. લંડનથી ભારત લાવવામાં આવેલા વાઘનખ ભારતમાં સાત મહિના સુધી રહેશે. બાદમાં લંડનના મ્યુઝિયમ સાથેના કરાર મુજબ પાછા મોકલી આપવામાં આવશે.