એકનાથ શિંદેની નજીકના નેતા સંજય શિરસાટે આવી શક્યતા વ્યક્ત કરી
સંજય સિરસાટ
મહારાષ્ટ્રના કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે મુખ્ય પ્રધાનપદનો દાવો છોડી દીધા બાદ તેમના નજીકના નેતા અને શિવસેનાના પ્રવક્તા સંજય સિરસાટે આગામી સરકારમાં એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ કદાચ ન સ્વીકારે એવી શક્યતા ગઈ કાલે વ્યક્ત કરી હતી. સંજય સિરસાટે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેએ અઢી વર્ષ મુખ્ય પ્રધાન તરીકે કામ કર્યું છે. આથી આગામી સરકારમાં તેમને નાયબ મુખ્ય પ્રધાનપદની ઑફર આપવામાં આવશે તો એ યોગ્ય નહીં ગણાય. આથી શિવસેનાના બીજા નેતાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. જોકે એકનાથ શિંદે કૅબિનેટમાં હશે અને બીજા વિભાગની જવાબદારી તેઓ સંભાળશે.’