એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બે ઉમેદવાર સામે પોતાના નેતાઓને ચૂંટણી લડવા માટે છેલ્લી ઘડીએ હેલિકૉપ્ટરથી એબી ફૉર્મ મોકલ્યાં
એકનાથ શિંદે અને અજીત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહા વિકાસ આઘાડી અને મહાયુતિ પૂરી તાકાતથી મેદાનમાં ઊતરી છે. જોકે આઘાડી અને મહાયુતિમાં અનેક બેઠકમાં વિવાદ જોવા મળ્યો છે. મહા વિકાસ આઘાડીમાં પાંચ બેઠકમાં બે પક્ષોએ ઉમેદવારી નોંધાવી છે તો બીજી બાજુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બે ઉમેદવાર સામે પોતાના નેતાઓને ચૂંટણી લડવા માટે છેલ્લી ઘડીએ હેલિકૉપ્ટરથી એબી ફૉર્મ મોકલ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી દિંડોરી વિધાનસભામાંથી નરહરિ ઝીરવાળ અને દેવલાલી વિધાનસભા બેઠકમાંથી સરોજ અહિરને ઉમેદવારી આપવામાં આવી છે. અજિત પવાર મહાયુતિમાં સામેલ હોવા છતાં ગઈ કાલે ઉમેદવારી નોંધાવવા માટે માત્ર એક કલાકનો જ સમય બાકી હતો ત્યારે એકનાથ શિંદેએ આ બન્ને બેઠકમાં અનુક્રમે ધનરાજ મહાલે અને રાજશ્રી અહિરરાવને ઉમેદવારી આપી હતી.