વર્સોવા ખાડી પાસે ટનલના ખોદકામ વખતે થયેલી દુર્ઘટનાના સ્થળે પહોંચ્યા એકનાથ શિંદે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દબાઈ ગયેલા JCBના ડ્રાઇવરના પરિવારજનોને સાંત્વન આપ્યું હતું.
ઘોડબંદર નજીક વર્સોવા ખાડી પાસે પાણીની પાઇપલાઇન નાખવા માટે ટનલ ખોદવામાં આવી રહી છે એમાં ૩૦ મેએ એટલે કે ૧૭ દિવસ પહેલાં ૨૦ ફીટની દીવાલ ધસી જવાની ઘટનામાં રાકેશ યાદવ નામનો ડ્રાઇવર JCB સાથે દબાઈ ગયો હતો. આટલા દિવસ બાદ પણ JCB અને ડ્રાઇવરને બહાર કાઢવામાં સફળતા નથી મળી ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને રાકેશ યાદવના પરિવારજનોને કહ્યું હતું કે ‘રાકેશને બહાર કાઢવા માટે બધી એજન્સીઓને ઝડપથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કમનસીબ દુર્ઘટનામાં સરકાર તમારી સાથે છે. સરકાર દ્વારા ૫૦ લાખ રૂપિયાની મદદ કરવાની સાથે તમારા પરિવારની એક વ્યક્તિને L&T કંપનીમાં નોકરી આપવામાં આવશે. રાકેશ યાદવના પુત્રને પણ જરૂરી તમામ મદદ કંપનીના માધ્યમથી કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે સૂર્યા ડૅમ પ્રોજેક્ટમાંથી મીરા-ભાઈંદરને ૧૨૦ મિલ્યન લીટર પર ડે (MLD) પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પાણીને
મીરા-ભાઈંદર સુધી પહોંચાડવા માટે વર્સોવા ખાડી પાસે ટનલ કરીને પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે.
રેસ્ક્યુ ઑપરેશનમાં અડચણ શું છે?
ADVERTISEMENT
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા વર્સોવાની ખાડી પાસે સસૂનનવઘર ગામમાં સૂર્યા પાણીપુરવઠા યોજનામાં પાઇપલાઇન નાખવા માટે ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ટનલ બનાવવા માટે બન્ને બાજુએ ૨૦ ફીટની કાચી દીવાલ ઊભી કરવામાં આવી છે. ૩૨ મીટરની ઊંડાઈએ રાકેશ યાદવ JCBથી ખોદકામ કરી રહ્યો હતો ત્યારે ટનલની એક તરફની દીવાલ તૂટી પડી હતી એટલે રાકેશ યાદવ JCB સાથે નીચે દબાઈ ગયો હતો. અહીં કીચડની સાથે પાણી પણ છે એટલે રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી આવી રહી છે. વિવિધ મશીનોથી માટીને દૂર કરવામાં આવે છે ત્યારે બાજુની જમીન ધસી જાય છે. આથી ૧૭ દિવસ બાદ પણ રાકેશ યાદવ અને JCBને બહાર નથી કાઢી શકાયાં. કોસ્ટગાર્ડ, ભારતીય લશ્કર, નૅશનલ ડિઝૅસ્ટર અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.