પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એક જણની મીરા રોડમાંથી ધરપકડ કરી, જ્યારે બીજો આરોપી ફરાર
ફરિયાદી પલ્લવી પતિ કૃણાલ સરમળકર સાથે
વન-ડે વર્લ્ડ કપમાં ફાઇનલ મૅચ કરતાં પણ વધુ ક્રેઝ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચનો હોય છે. એટલે સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મૅચ જોવા માટે કેટલાક લોકો ગમે એટલા રૂપિયા આપીને પણ ટિકિટ મેળવે છે. ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મૅચ રમાઈ હતી. એ સ્ટેડિયમમાં જોવા માટેની ટિકટિ ખરીદવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના બાંદરાના નેતાની પત્નીએ કોઈકનો સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા, પણ ટિકિટ નહોતી આપી. આથી નેતાની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ મામલામાં પોલીસે એક આરોપીની મીરા રોડમાંથી ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
તાજેતરમાં ભારતમાં રમાયેલા ક્રિકેટના વન-ડે વર્લ્ડ કપની ટિકિટ વેચવાના પ્રકરણમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને કેટલાક કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હોવાનું જણાયું છે. બાંદરામાં રહેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતા કૃણાલ સરમળકરની પત્ની પલ્લવી સાથે પણ મૅચ જોવા માટે ટિકિટ ખરીદવા સંબંધી છેતરપિંડી થઈ છે. તેણે કોઈકને ગ્રુપબુકિંગ કરવા માટે ૩૫ લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. તેને ટિકિટ તો ન મળી, પણ રૂપિયા પાછા આપવામાં ન આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખેરવાડી પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી પલ્લવી સરમળકર તેના ગ્રુપ સાથે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મૅચ જોવા માગતી હતી. આ મૅચની ટિકિટ મેળવી આપવાનું કોઈકે કહેતાં પલ્લવી સરમળકરે તેને ગ્રુપટિકિટ ખરીદવા માટે ૩૫ લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. જોકે ભારત અને પાકિસ્તાનની મૅચ રમાઈ ત્યારે પલ્લવીને ટિકિટ ન મળતાં તે ચોંકી ઊઠી હતી. જેને રૂપિયા આપ્યા હતા તેણે કોઈક ગરબડ થવાથી ટિકિટ બુક ન થઈ શકી હોવાનું તેમ જ ટૂંક સમયમાં બધા રૂપિયા પાછા આપવાનું કહ્યું હતું. જોકે બાદમાં પણ ટિકિટ ખરીદવા માટેના રૂપિયા પાછા ન અપાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ લીધા બાદ તપાસ હાથ ધરીને મીરા રોડમાંથી સૌરભ નિકમ નામના એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે તેનો સાથી વેન્કટ મંડાલા ફરાર થઈ ગયો છે.
ADVERTISEMENT
ખેરવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર મુલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પલ્લવી કૃણાલ સરમળકરે વર્લ્ડ કપની મૅચ જોવા માટે સ્ટેડિયમની ટિકિટ ખરીદવા માટે ૩૫ લાખ રૂપિયા આરોપીને આપ્યા હતા, પરંતુ તેણે ટિકિટ બુક નહોતી કરાવી અને તે રૂપિયા પણ પાછા નહોતો આપતો. અમારી પાસે ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરતાં સૌરભ નિકમ અને વેન્કટ મંડાલા નામના આરોપીઓએ રૂપિયા લીધા હોવાનું જણાયું હતું. અમે સૌરભ નિકમની મીરા રોડમાંથી ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથી વેન્કટ
મંડાલા ફરાર થઈ ગયો છે એટલે તેને શોધી રહ્યા છીએ.’

