૭૮ લાખ રૂપિયા કૅશ અને બે લાખનું વિદેશી ચલણ જપ્ત
લવાસા સિટી અને આ વિવાદાસ્પદ હિલ-સ્ટેશનનો પ્રોજેક્ટ ખરીદનારી મુંબઈની ડાર્વિંન કંપનીના માલિક અજય સિંહ
પુણે જિલ્લાના પહેલા પ્રાઇવેટ હિલ-સ્ટેશન તરીકે નિર્માણ કરવામાં આવેલું લવાસા સિટી વિવિધ કારણથી ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. આ વિવાદાસ્પદ હિલ-સ્ટેશનનો પ્રોજેક્ટ ખરીદનારી મુંબઈની ડાર્વિંન કંપનીના માલિક અજય સિંહની ઑફિસ સહિતનાં સ્થળોએ ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. EDની દિલ્હીથી આવેલી ટીમે કાર્યવાહી કરીને ૭૮ લાખ રૂપિયા કૅશ અને બે લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું હોવાનું કહેવાય છે. EDએ ગઈ કાલે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ, ૨૦૦૨ (PMLA)ની વિવિધ કલમ અંતર્ગત મેસર્સ ડેહલમાન રિયા-IT ટ્રેડ નામની કંપનીનાં મુંબઈ અને દિલ્હી સહિતનાં સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. અજય સિંહ અને તેમના સહયોગીઓના સ્થળેથી કૅશની સાથે કેટલાક શંકાસ્પદ ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે લવાસા સિટી પ્રોજેક્ટ ફડચામાં ગયા બાદ અજય સિંહે પુણે જિલ્લાના મુળશી તાલુકામાં આવેલો આ પ્રોજેક્ટ ૧૮૧૪ કરોડ રૂપિયાની બોલી લગાવીને હસ્તગત કર્યો હતો. આ પ્રોજેક્ટ ૧૨,૫૦૦ એકર જમીનમાં ફેલાયેલો છે.

