એજ્યુકેશન માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ ન હોવા છતાં સેન્ટ્રલાઇઝ્ડ ઑનલાઇન ઍડ્મિશન પ્રોસેસમાં ભાગ લેનારી જુનિયર કૉલેજોને શોધી કાઢવા માટે શિક્ષણ વિભાગ હવે જોર લગાવી દેશે
મુલુંડમાં આવેલી સરસ્વતી હિન્દી હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજમાં માત્ર પાંચ જ ક્લાસરૂમ છે (તસવીર : રાજેશ ગુપ્તા)
શહેરમાં એવી ઘણી જુનિયર કૉલેજો છે જેમાં સ્ટુડન્ટ્સને ભણાવવા માટે કોઈ પણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એમ છતાં એના વિદ્યાર્થીઓ તાજેતરમાં ઑનલાઇન ઍડ્મિશન પ્રોસેસમાં જોડાયા છે. શહેરમાં આવેલી તમામ સંસ્થાઓની તપાસ કરવાનું તાજેતરમાં મુંબઈના એજ્યુકેશનના ડેપ્યુટી ડિરેક્ટર સંદીપ સાંગવેએ કહ્યું છે. સાથોસાથ કોરોના તેમ જ સ્ટાફની અછતને કારણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવું લાંબા સમયથી કરી શક્યો નથી એનો સ્વીકાર પણ કર્યો છે.
શહેરમાં ઘણા લાંબા સમયથી ભૂતિયા કૉલેજો અસ્તિત્વમાં છે. કેટલીક કૉલેજો ઝૂંપડપટ્ટીઓમાં તો કેટલીક કમર્શિયલ દુકાનોમાં ચાલે છે. ‘મિડ-ડે’ આવી રાવ જુનિયર કૉલેજ શોધી કાઢી હતી જે માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં છે. એમના ઍડ્રેસ પર કંઈક બીજું જ છે. ‘મિડ-ડે’ દ્વારા તપાસ કરવામાં આવતાં ખબર પડી કે એક કૉલેજ તો વન પ્લસ વન ગાળામાં જ ચાલતી હતી.
ડેપ્યુટી ડિરેક્ટર સાંગવેએ કહ્યું હતું કે ‘ઍડ્મિશન પ્રક્રિયામાં ભાગ લેનારી દરેક કૉલેજે સરનામંી પુણે હેડ ઑફિસને મોકલવાનું હોય છે. ખરેખર ત્યાં કૉલેજ ન હોય તો એને યાદીમાંથી રદ કરવી જોઈએ. રાવ જુનિયર કૉલેજને અગાઉ પણ દંડ થયો છે. અમે ફરી આ કૉલેજની ચકાસણી કરીશું.’