રેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
કોવિડ પહેલા આઇઆરસીટીસી દ્વારા દરરોજ ૨૦,૦૦૦ ઓર્ડર લેવામાં આવતા હતા
રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને તબક્કાવાર રીતે હટાવવાની પ્રક્રિયામાં ખૂબ સારા સમાચાર રેલવે તંત્ર તરફથી પ્રાપ્ત થયા છે. લાંબા અંતરની ટ્રેનોમાં ઈ-કેટરિંગ ફરી શરૂ કરવાની તૈયારી ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)એ કરી છે. એ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આવતા મહિનાથી ૩૦ રેલવે-સ્ટેશનો પર સ્પેશ્યલ ટ્રેનોમાં ઈ-કેટરિંગ સર્વિસ શરૂ કરવામાં આવશે. આ સર્વિસ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે ૨૦૨૦ની ૨૨ માર્ચથી બંધ હતી.
કોરોના પૂર્વેના સમયમાં આઇઆરસીટીસીને રોજ ૨૦,૦૦૦ ફૂડ-ઑર્ડર્સ મળતા હતા. એ ફૅસિલિટી હેઠળ પ્રવાસીઓ ફોન દ્વારા કે ઑનલાઇન તેમની પસંદગીનાં બ્રૅન્ડેડ ફૂડ કે લોકલ સ્પેશ્યલિટીનો ઑર્ડર આપતાં ટ્રેનની સીટ પર નિર્ધારિત સમયે ફૂડ-ડિલિવરી આપવામાં આવે છે. આઇઆરસીટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનામાં ધીમે-ધીમે ટ્રેનો વધારવામાં આવતાં લોકો જૂની ઈ-કેટરિંગ સર્વિસ ફરી શરૂ કરવાની માગણી કરી રહ્યા હતા. એ માગણીના અનુસંધાનમાં ૩૦ રેલવે-સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવનારી સર્વિસ ૨૫૦ ટ્રેનોમાં ઉપલબ્ધ થશે.’