ઇલેક્શન પહેલાં ફક્ત પિન્ક જૅકેટ પહેરતા અજિત પવાર હવે સફેદ કુરતા-પાયજામામાં દેખાવા લાગ્યા છે, પણ તેમની જગ્યાએ હવે આ રંગનું જૅકેટ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધારણ કરવાનું શરૂ કર્યું હોવાથી વિરોધ પક્ષોને ચર્ચાનો મુદ્દો મળી ગયો
દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર
અત્યારે મુંબઈ સહિત આખા દેશમાં ફૂલગુલાબી ઠંડીની ચર્ચા થઈ રહી છે ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગુલાબીની ચર્ચા થઈ રહી છે પણ એ ફૂલગુલાબી ઠંડીની નહીં, પણ ગુલાબી જૅકેટની છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં અજિત પવારે ડિઝાઇનબૉક્સ્ડ નામની કંપનીને ઇલેક્શન સ્ટ્રૅટેજિસ્ટ તરીકે નીમી હતી જેણે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષને ફક્ત પિન્ક જૅકેટ પહેરવાનું જ કહ્યું હતું અને આ સ્ટ્રૅટેજિસ્ટની વાત માનીને ટીકા થવા છતાં અજિત પવારે ગુલાબી જૅકેટ જ પહેર્યું હતું. જોકે હવે ઇલેક્શન પૂરું થયા બાદ આ રંગનું ઘેલું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લાગ્યું હોય એવું લાગે છે. તેમણે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પહેલી પ્રેસ-કૉન્ફરન્સ તેમ જ શપથવિધિના દિવસે આ જ રંગનું જૅકેટ પહેર્યું હોવાથી એની જોરદાર ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
પિન્ક જૅકેટ પહેરીને ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવ્યા બાદ અજિત પવારે હવે ગુલાબી જૅકેટ પહેરવાનું ઓછું કરી દીધું છે અને ફરી એક વાર તેઓ સફેદ કુરતા-પાયજામામાં આવી ગયા છે. જોકે આ બાબતે વિરોધ પક્ષોએ કટાક્ષ કરતાં અજિત પવારને પૂછ્યું હતું કે ગુલાબી જૅકેટ દેવેન્દ્ર ફડણવીસને આપી દીધું? આ સવાલનો જવાબ આપતાં અજિત પવાર અકળાઈ ગયા હોવા છતાં તેમણે કહ્યું હતું કે ‘હા, આજે ગુલાબી જૅકેટ મુખ્ય પ્રધાનને આપ્યું છે. એમાં તમને શું તકલીફ છે? અમારે કયું જૅકેટ પહેરવું એ અમે નક્કી કરીશું અને તમારે કયું જૅકેટ પહેરવું એ તમે નક્કી કરો.’
આ રીતે રાજ્યમાં અત્યારે જોરદાર પિન્ક પૉલિટિક્સ જામ્યું છે.