કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા
અંધેરીચા રાજાના વિસર્જન વખતે જ બોટ એક બાજુથી નમી જતાં ઊંધી વળી ગઈ હતી. એને લીધે બોટમાં હાજર ભક્તો પણ દરિયામાં પડી ગયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતા.
અંધેરીચા રાજાના વિસર્જનની સવારી શનિવારે સાંજે જ શરૂ થઈ ગઈ હતી અને એમાં સેંકડો લોકો જોડાયા હતા. ગઈ કાલે સવારે વિસર્જનયાત્રા વર્સોવા ગામની પાસેના દરિયે પહોંચી હતી. જોકે એ પછી બાપ્પાની મૂર્તિ જે બોટ પર ચડાવાઈ હતી એમાં બહુબધા લોકો ચડી ગયા હતા એટલે બોટ મધદરિયે સંતુલન ગુમાવતાં ઊંધી વળી ગઈ હતી અને બાપ્પાની મૂર્તિ પણ સમુદ્રમાં પડી હતી. એને કારણે દેકારો મચી ગયો હતો. જોકે સારા નસીબે અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેઓ તરત જ પોતાની બોટ ત્યાં લઈ ગયા હતા અને દરિયામાં પડેલા લોકોને બચાવી લેવાયા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટનાનો અન્ય બોટોમાં સવાર લોકોએ વિડિયો પણ લીધો હતો જે ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.
બોટ ઊંધી વળવાની આ ઘટના ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. એક બોટમાં બાપ્પાની મૂર્તિ મૂકવામાં આવી હતી અને એમાં ઘણાબધા લોકો ચડી ગયા હતા. સાથે અન્ય ઘણી બોટોમાં લોકો આસપાસ હતા. કાંઠા પર પણ સેંકડો લોકોએ વિસર્જન જોવા ગિરદી કરી હતી. જોકે બાપ્પાની મૂર્તિ જે બોટમાં હતી એના એક ખૂણા પર બહુબધા લોકો આવી જવાથી એ ભાગ દરિયામાં ડૂબવા માંડ્યો હતો અને એટલે બોટ ત્રાંસી થઈ ગઈ હતી. જે લોકો બોટમાં હતા એ બધા એ સાઇડમાં ઝૂકી ગયા હતા એટલે એ બાજુ વજન વધી ગયું હતું. એમાં લોકો પડતાં બોટ ઊંધી વળી ગઈ હતી અને સાથે જ બાપ્પાની મૂર્તિ પણ પાણીમાં પડી ગઈ હતી. પાણીમાં પડેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા હતા. તેમની સાથે જ આજુબાજુની બોટના લોકોએ પણ બૂમાબૂમ મચાવી દીધી હતી. મોટા ભાગની બોટો ત્યાંના સ્થાનિક માછીમારોની હતી એટલે એ લોકો ત્યાંના દરિયાથી પરિચિત હતા. તેઓ તરત જ તેમની બોટ એ તરફ લઈ ગયા હતા. કેટલાક લોકો જેમને તરતાં આવડતું હતું તેઓ ડૂબેલી બોટથી દૂર જવાનો પ્રયાસ કરતા જણાયા હતા. કેટલાકને તરતા નહોતું આવડતું તેમણે ઊંધી વળી ગયેલી બોટને પકડીને જેમતેમ પાણીની ઉપર રહેવાનો પ્રયાસ કરવા માંડ્યો હતો.
ADVERTISEMENT
બચાવવા ગયેલા માછીમારોએ તરત જ ડૂબી રહેલા લોકોને બચાવવા દોરડાં ફેંક્યાં હતાં અને રબરની રિંગો પણ ફેંકી હતી. કેટલાક માછીમારોએ તો લોકોને બચાવવા દરિયામાં સીધું ઝંપલાવી દીધું હતું. આમ દુર્ઘટના બની, પણ માછીમારો મોટી સંખ્યામાં હાજર હોવાથી બધાને બચાવી લેવાયા હોવાનું પ્રાથામિક તપાસમાં જણાઈ આવ્યું હતું.