ઉતરાણમાં પતંગ ઉડાવવા માટે વપરાતા ચાઇનીઝ માંજા પર રાજ્ય સરકાર દ્વારા બૅન મૂકવામાં આવ્યો હોવા છતાં આ માંજાનો ઉપયોગ પતંગ ચગાવવા માટે કરવામાં આવતો હોય છે
પક્ષીઓને બચાવી રહેલા પક્ષીપ્રેમીઓ
મુંબઈ સહિત આસપાસના પરામાં ઉતરાણ દરમ્યાન ૭૨૬ ગંભીર રીતે જખમી થયેલાં પક્ષીઓને ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ બચાવી લીધાં છે. ઍનિમલ ઍક્ટિવિસ્ટો દ્વારા મુંબઈ સહિત મીરા-ભાઇંદરમાં ત્રણ દિવસ માટે કૅમ્પ લગાડવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત ઍનિમલ ઍક્ટિવિસ્ટ અને ડૉક્ટરોએ પક્ષીઓને બચાવ્યાં હતાં.
ઉતરાણમાં પતંગ ઉડાવવા માટે વપરાતા ચાઇનીઝ માંજા પર રાજ્ય સરકાર દ્વારા બૅન મૂકવામાં આવ્યો હોવા છતાં આ માંજાનો ઉપયોગ પતંગ ચગાવવા માટે કરવામાં આવતો હોય છે, જેને કારણે પક્ષીઓ મોટા ભાગે કબૂતરો અને કાગડાઓ આ માંજામાં ફસાઈ જવાને લીધે ગંભીર રીતે જખમી થતાં હોવાથી કેટલાંકનાં મૃત્યુ પણ થતાં હોય છે. આવા પક્ષીઓને બચાવવા માટે મુંબઈ અને આસપાસના પરામાં ત્રણ દિવસ માટે કૅમ્પ લગાડવામાં આવ્યા હતા. આ તમામ કેમ્પ અલગ-અલગ પક્ષીમિત્રો અને ટ્રસ્ટ દ્વારા લગાડવામાં આવ્યા હતા, જેઓ દ્વારા ત્રણ દિવસમાં ૭૨૬ જખમી પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં અને તેઓ પર ઇલાજ કર્યો હતો. કેટલાંક પક્ષીઓ ગંભીર રીતે જખમી થયાં હોવાની માહિતી ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ આપી હતી. આ સિવાય ઘણી સેવાભાવી સંસ્થાઓએ પણ જુદા-જુદા વિસ્તારોમાં કૅમ્પ લગાવ્યા હતા.
ઍનિમલ વેલ્ફેર બોર્ડના ઑફિસર મિતેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકો અને મોટા શખસો પોતાની મજા માટે પતંગ ચગાવતા હોય છે, જેમાં પક્ષીઓને સજા થતી હોય છે. તેમની આ ભૂલને લીધે માંજામાં ફસાઈ જવાથી કેટલાંક પક્ષીઓનાં મૃત્યુ પણ થતાં હોય છે. ત્રણ દિવસમાં અમે લોકોએ કુલ ૭૨૬ પક્ષીઓને બચાવી લીધાં છે.’