ઊંબાડિયાનો ચાર્મ ખલાસ
ઊંબાડિયાનો ચાર્મ ખલાસ
શિયાળા આવે અને ગુજરાત તરફ નીકળો એટલે પહેલા તો વિચાર આવે ઊંબાડિયું ખાવાનો. જોકે આ વર્ષે મૂળ તો કોરોના મહામારીને લીધે આ ઊંબાડિયાએ ચાર્મ ગુમાવી દીધો છે.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુજરાતમાં વલસાડ નજીક ડુંગરી પાસે સ્ટૉલમાં મળતું ઊંબાડિયું મહામારીના પ્રતિબંધોને લીધે આ વખતે ગાયબ છે. ઊંબાડિયુંના મોટા ભાગના વેપારીઓએ જણાવ્યાનુસાર શિયાળાની મોસમમાં ઊંબાડિયામાંથી થતી આવક પર તેમનો પરિવાર વર્ષભર નભતો હોય છે.
ADVERTISEMENT
ઉંધિયાને મળતી આવતી આ વાનગી બટાટા, સૂરણ, કઠોળ અને અન્ય મસાલાના મિશ્રણથી ઓછા તેલમાં તૈયાર કરવામાં આવે છે. ઊંબાડિયું વિશિષ્ટ રીતે માટીના માટલાને બહારથી ગરમી આપીને તૈયાર કરવામાં આવે છે. માટલાની અંદર કાલારનાં પાન મૂકી એના પર ચોક્કસ ઑર્ડરમાં શાકભાજી મૂકવામાં આવે છે, જેથી એનાં સ્વાદ અને સુગંધ જળવાઈ રહે છે.
ઊંબાડિયાનો ચાર્મ ખલાસ
અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડુંગરી ખાતે ઊંબાડિયુંનો સ્ટૉલ ચલાવતાં ગીતાબહેન પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેઓ છેલ્લાં પચીસ વર્ષથી અહીં ઊંબાડિયું વેચે છે. મુંબઈના અમારા ગ્રાહકો અમને ફોન કરીને સ્ટૉલ ખુલ્લો છે કે નહીં એની પૃચ્છા કરે છે.’
અન્ય એક વેપારી મીનાબેન પટેલે કહ્યું હતું કે ‘અમે પાંચ દિવસ પહેલાં જ આ ધંધો શરૂ કર્યો હતો, પણ સરકારે લૉકડાઉનને કારણે હાઇવે પર દુકાનો ખોલવાની મનાઈ કરી. અમારા ગ્રાહકો મુંબઈથી કારમાં ખાસ ઊંબાડિયું ખાવા અહીં આવે છે. લૉકડાઉનને કારણે તથા કોવિડ-19ના નેગેટિવ રિપોર્ટ વિના મુંબઈમાં પ્રવેશબંધીને કારણે અમારા ગ્રાહકો ન આવ્યા.’
ગીતાબહેન પટેલે કહ્યું હતું કે, દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન સ્ટૉલ ચાલુ હોય છે. મોટા ભાગે અમારા ગ્રાહકો મુંબઈથી ખાસ ઊંબાડિયું ખાવા અહીં આવે છે. જોકે આ વર્ષે અમારા ધંધા પર ઘણી માઠી અસરો જોવાઈ છે.

