દુબઈ જેવા આ માછલીઘર માટે ૪૦ કરોડ રૂપિયાનું ટેન્ડર
ભાયખલા ઝૂની ફાઇલ તસવીર
હવે દુબઈની જેમ મુંબઈમાં પણ ટૂરિસ્ટોને ટનલ ઍક્વેરિયમનો અનુભવ મળશે. બીએમસીએ ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે ઝૂમાં ટનલ ઍક્વેરિયમ બનાવવા માટે ૪૦ કરોડ રૂપિયાનાં ટેન્ડર આમંત્રિત કર્યાં છે. મહાવિકાસ આઘાડીએ વરલીમાં આરે ડેરી લૅન્ડ પર ઍક્વેરિયમ બનાવવાનું નક્કી કર્યું હતું એટલે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. જોકે બાદમાં મહાયુતિ સરકારે યોજના રદ કરી હતી. હવે બીએમસીએ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર મગાવ્યાં છે જેની અંદાજિત કિંમત ૪૦ કરોડ રૂપિયા છે. ટેન્ડર ડૉક્યુમેન્ટ્સ અનુસાર વર્ક-ઑર્ડર જાહેર કરવામાં આવ્યાના ૧૨ મહિના બાદ ઍક્વેરિયમનું કન્સ્ટ્રક્શન પૂરું કરવામાં આવશે. બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ ૨૦૨૪ છે.
બીએમસીની યોજના અનુસાર ઍક્વેરિયમમાં ડોમ આકારનું એન્ટ્રન્સ અને બે ઍક્રિલિક વૉક-થ્રૂ ટનલ હશે. ૧૪ મીટરની એક ટનલ કોરલ ફિશ માટે અને ૩૬ મીટરની બીજી ટનલ દરિયામાં ઊંડે જોવા મળતી પ્રજાતિઓ માટે હશે.
ADVERTISEMENT
ગયા વર્ષે ભાયખલા ઝૂએ ક્રૉકોડાઇલ અને એલિગેટર્સની અન્ડરવૉટર વ્યુઇંગ ગૅલરી ખોલી હતી. ૧૫૦૦ સ્ક્વેર ફુટની ગૅલરીના પ્લૅટફૉર્મ પરથી મુલાકાતીઓ મગરની અન્ડરવૉટર મૂવમેન્ટ્સ જોઈ શકે છે. ઝૂ ઓથોરિટીનું કહેવું છે કે ભારતમાં આ પ્રકારની પહેલી વ્યુઇંગ ગૅલરી છે.