ગુજરાતમાં રહેતા મોહિત ચોલેરાએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી કહ્યું કે તેણે ચાર લોકોને મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં બૉમ્બ રાખવાની વાતો કરતા સાંભળ્યા હતા. આખી રાત ભાગદોડ કર્યા બાદ પોલીસને ખબર પડી કે આ તો ફેક કૉલ હતો
ફેક કૉલ કરનાર આરોપી મોહિત ચોલેરાની નાગપાડા પોલીસ દ્વારા બાંદરા સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી
ગયા અઠવાડિયે મુંબઈ પોલીસને એક યુવાનનો મેઇન કન્ટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે તેણે ચાર લોકોને મુંબઈમાં અલગ-અલગ વિસ્તારમાં બૉમ્બ રાખવાની વાતો કરતા સાંભળ્યા હતા. આવો ફોન આવતાં પોલીસ કામે લાગી હતી અને ફોન કરનારની વધુ માહિતી કાઢતાં જે વિસ્તારમાં તેણે બૉમ્બ હોવાની માહિતી આપી હતી એ વિસ્તારમાં જઈને તપાસ પણ કરી હતી. જોકે એ વિસ્તારમાં કોઈ બૉમ્બ મળી ન આવતાં પોલીસને ગેરમાર્ગે દોરવાની ફરિયાદ નોંધીને ફોન કરનારની તપાસ શરૂ કરી હતી. એમાં નાગપાડા પોલીસે બાંદરા સ્ટેશન પરથી તે માણસની ધરપકડ કરી હતી. આરોપીએ કબૂલ કર્યું હતું કે તેણે દારૂના નશામાં પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હતો.
બાવીસ ઑક્ટોબરે મોડી રાતે મુંબઈ પોલીસને મેઇન કન્ટ્રોલ રૂમમાં એક યુવાનનો ફોન આવ્યો હતો જેણે પોલીસને જણાવ્યું હતું કે ‘હું ઍરપોર્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં ચાર લોકોને ઉર્દૂમાં વાતો કરતાં સાંભળ્યા હતા જેમાં તેઓ કહી રહ્યા હતા કે મુંબઈમાં અંધેરી, નાગપાડા, કુર્લા વિસ્તારમાં બૉમ્બ મુકાઈ ગયા છે. એ પછી ચારે જણ ત્યાંથી ટૅક્સીમાં ચાલ્યા ગયા હતા.’
આ જાણકારી મળતાં મુંબઈ પોલીસના અધિકારીઓ કામે લાગ્યા હતા. એની સાથે પોલીસે એટીએસને પણ માહિતી આપી હતી અને તેઓ પણ કામે લાગ્યા હતા. જોકે પોલીસે વધુ માહિતી મેળવવા માટે માહિતી આપનાર કૉલરને પાછો ફોન કર્યો હતો જેમાં માહિતી આપનાર ૨૮ વર્ષના મોહિત ચોલેરાએ બે વાર ફોન કરતાં તેણે પોલીસને અગલ-અલગ માહિતી આપી હતી. એ પછી પોલીસે તેને કહ્યું હતું કે તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન પર આવીને વિગતવાર માહિતી આપો. ત્યારે મોહિતે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. પોલીસે આખી રાત તેણે જણાવેલા વિસ્તારોમાં જઈને તપાસ કરતાં કોઈ બૉમ્બ મળ્યો નહોતો. એ પછી ફોન કરનાર વિરુદ્ધ નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
નાગપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ ખાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરી છે. તેણે માત્ર નશામાં ફોન કર્યો હોવાની કબૂલાત કરી છે. વધુ તપાસ ચાલુ છે.’
નાગપાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગણેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મૂળ ગુજરાતના અમદાવાદ વિસ્તારનો રહેવાસી છે. આરોપી વેલસેટ પરિવારનો છે. તેનાં માતા-પિતાનાં મૃત્યુ પછી તે તેના ભાઈ સાથે અમદાવાદમાં ટાઇલ્સનો વ્યવસાય કરતો હતો. આરોપીએ નશાની આદતમાં આવું કાર્ય કર્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આરોપી એક મહિના પહેલાં ઘરમાં ઝઘડો કરી મુંબઈ આવી ગયો હતો. મુંબઈ આવ્યા પછી તેની પાસેના પૈસા પૂરા થતાં તે રોષે ભરાયો હતો અને ત્યાર પછી તેણે આવું કૃત્ય કર્યું હતું.’