Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં અકસ્માત કરનારા વાહનચાલકો ફરી રસ્તા પર એક્ટિવ

વસઈ-વિરારમાં અકસ્માત કરનારા વાહનચાલકો ફરી રસ્તા પર એક્ટિવ

24 June, 2024 07:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર RTO દ્વારા ભારે વાહનોની નિયમિત તપાસ કરવામાં આવતી નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બેદરકારીથી વાહન ચલાવીને નિર્દોષ લોકોના જીવ લેનારા વાહનચાલકો ફરીથી રસ્તા પર સક્રિય થતા હોવાનું બહાર આવ્યું છે. તેમનાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ ન થતાં તેઓ જામીન મેળવીને ફરીથી વાહન ચલાવે છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા પત્ર આપવા છતાં વાહનચાલકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવતાં ન હોવાનું કહેવામાં આવ્યું છે.


વસઈ-વિરારમાં ભારે વાહનોને કારણે અકસ્માતો વધી રહ્યા હોવાની ઘટનાઓ બને છે, પરંતુ જામીન મળ્યા બાદ વાહનચાલકો ફરી વાહન ચલાવતા હોય છે. આવા વાહનચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ફરી અકસ્માતનો ભય રહે છે. અકસ્માત કરનારા ડ્રાઇવરો પર ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૪ (એ) હેઠળ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને મૃત્યુનું કારણ બને એ માટે કેસ કરવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે. જોકે આ જામીનપાત્ર ગુનો હોવાથી તરત જ જામીન મંજૂર કરવામાં આવે છે. આ ગુનામાં બે વર્ષની જેલની સજા છે. અકસ્માત પછી પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવે તો રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) વિભાગ દ્વારા વાહનની તપાસ કરવામાં આવે છે. અકસ્માત માનવીય ભૂલ કે ટેક્નિકલ ભૂલને કારણે થયો છે એ તપાસવામાં આવે છે. જોકે એક વખત માનવભૂલ મળી આવે તો વાહનચાલકનું લાઇસન્સ રદ કરવા માટે RTO કાર્યાલયમાં પત્ર મોકલવામાં આવે છે. જોકે તેમનું લાઇસન્સ કૅન્સલ કરવામાં ઘણા મહિનાઓ લાગે છે. આ ગુનો જામીનપાત્ર હોવાથી તે જામીન પર છૂટી જાય છે અને ફરી રસ્તા પર વાહન ચલાવે છે. સર્કલ-૩ના પોલીસ અ​ધિકારીએ જણાવ્યું હતું કે અમે કેસ દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરીએ છીએ, પરંતુ આવા વાહનચાલકોને રસ્તા પર પાછા ફરતાં અટકાવવાનું કામ RTO વિભાગનું છે.



ટ્રાફિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર RTO દ્વારા ભારે વાહનોની નિયમિત તપાસ કરવામાં આવતી નથી. આ સિવાય વાહનચાલકોને લાઇસન્સ આપવા વિશે પણ ચેકિંગ થતું નથી. વસઈ-વિરાર વિસ્તારમાં વધતી જતી વસ્તી અને પાણીની અછતને કારણે દરરોજ આશરે ૬૦૦થી વધુ ટૅન્કરો, ડમ્પરો અને અન્ય ભારે વાહનો આ વિસ્તારના રસ્તાઓ પર કોઈ પણ ચેકિંગ વિના દોડે છે. ટ્રાફિક-નિષ્ણાત ડૉ. વીરશ્રી ભોઈરે જણાવ્યું હતું કે ‘આવા લાઇસન્સ વગરના અને પ્રશિક્ષણ ન હોય એવા વાહનચાલકોની બેદરકારીને કારણે અકસ્માતો થાય છે. અકસ્માતોને રોકવા માટે સુરક્ષાનાં વિવિધ પગલાં જરૂરી છે. એથી વાહનોની નિયમિત તપાસ તથા વાહનચાલકોનું પ્રશિક્ષણ જરૂરી છે.’


ભારે વાહનોના ધરપકડ કરાયેલા કેટલા ડ્રાઇવરોનાં લાઇસન્સ રદ થયાં છે એના આંકડા RTO વિભાગ પાસે ઉપલબ્ધ નથી. આ વિશે કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કાર્યવાહી કરીને પોલીસને અહેવાલ સોંપવામાં આવશે. આ વિભાગ જૂનાં વાહનોનું નિરીક્ષણ કરે છે અને ૨૦ વર્ષ જૂનાં અને ફિટનેસ-ટેસ્ટમાં પાસ ન થતાં હોય એવાં વાહનોને સ્ક્રૅપ કરે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK