DRIએ ૧૦.૪૮ કરોડ રૂપિયાનાં સોનું-ચાંદી જપ્ત કર્યાં
ફૉરેનના સોનાના સિક્કા
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ જોરદાર કાર્યવાહી કરીને સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને ચાર જણની ધરપકડ કરી છે. એમાં આફ્રિકાના બે નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી અંતર્ગત તળ મુંબઈમાં આવેલી સોનું ગાળવાની ફૅક્ટરી પર પણ રેઇડ પાડવામાં આવી હતી. સોનું અને ચાંદી મળીને કુલ ૧૦.૪૮ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.
DRIને માહિતી મળી હતી કે દાણચોરીની સિન્ડિકેટ દ્વારા આફ્રિકાથી લવાયેલા સોનાની છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી દાણચોરી થાય છે અને ત્યાર બાદ ફૉરેનના સોનાના સિક્કા પરથી ત્યાંનો માર્કો કાઢવા એને ઝવેરીબજારમાં આવેલી સોનું ગાળવાની ફૅક્ટરીમાં ગાળી નાખવામાં આવે છે. ત્યાર બાદ એ સોનું લોકલ માર્કેટમાં વેચાય છે. DRIએ આ સર્ચ-ઑપરેશન હેઠળ ૯.૩૧ કિલો સોનું જપ્ત કર્યું હતું. એમાં ૩૫૧ ગ્રામના ફૉરેનના ગોલ્ડ બારના ટુકડા અને ૧૬.૬૬ કિલો ચાંદી હતાં. ઉપરાંત ૧.૯૨ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. એ સિવાય દાણચોરીનું ગાળેલું સોનું ખરીદનાર પાસેથી ઍડ્વાન્સમાં રકમ લેનાર વચેટિયાને ઝડપી લઈને તેની પાસેથી ૧૯,૦૦૦ ડૉલર જપ્ત કરવામાં આવ્યા હતા. DRIના અધિકારીઓએ ખરીદદારને ઝડપી લેવા તેની ઑફિસ પર રેઇડ પાડી હતી, પણ તે નાસી ગયો હતો.

