મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ જિલ્લાના તુળજાપુરમાં આવેલા તુળજા ભવાની મંદિરની બહાર મૅનેજમેન્ટ દ્વારા મરાઠી ભાષામાં બોર્ડ લગાવવામાં આવ્યું છે.
તુળજા ભવાની મંદિરમાં દર્શન માટે હવે ડ્રેસ-કોડ
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ જિલ્લાના તુળજાપુરમાં આવેલા તુળજા ભવાની મંદિરની બહાર મૅનેજમેન્ટ દ્વારા મરાઠી ભાષામાં બોર્ડ લગાવવામાં આવ્યું છે, જે મુજબ અસભ્ય વસ્ત્રો કે હાફ પૅન્ટ પહેરીને દર્શન કરવા આવનારાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મંદિરના વ્યવસ્થાપક અધિકારીએ કહ્યું હતું. આ પ્રસિદ્ધ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવતા હોવાનું જણાવતાં મંદિરની પવિત્રતા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. મંદિરની બહાર મુકાયેલા બોર્ડ મુજબ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અસંસ્કારી, અસભ્ય તેમ જ અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો, હાફ પૅન્ટ કે બર્મુડા પહેરીને મંદિરમાં પ્રવેશ વર્જ્ય છે. મંદિરના વ્યવસ્થાપનના પીઆરઓ નાગેશ શિતોલેએ કહ્યું હતું કે દેશનાં અનેક મંદિરોમાં આવા નિયમો પહેલેથી જ અમલમાં છે.