ડૉ. મનમોહન સિંહ સાદગીના માણસ હતા અને તેમને પોતાની મારુતિ-800 કાર વધારે પસંદ હતી, તેઓ પોતાના બૉડીગાર્ડને કહેતા...
ડૉ. મનમોહન સિંહ સાથે તેમના બૉડીગાર્ડ તરીકે અસીમ અરુણ.
દિવંગત ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને સાદગી વધારે પસંદ હતી. એની માહિતી આપતાં તેમના ભૂતપૂર્વ બૉડીગાર્ડ અને હાલમાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના મંત્રી અસીમ અરુણે કહ્યું હતું કે તેમને પોતાની મારુતિ-800 કાર વધારે પસંદ હતી.
ADVERTISEMENT
આ મુદ્દે અસીમ અરુણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર જાણકારી આપતી પોસ્ટમાં લખ્યું છે : ‘હું ૨૦૦૪થી લગભગ ત્રણ વર્ષ તેમનો બૉડીગાર્ડ રહ્યો. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં વડા પ્રધાનની સુરક્ષાની સૌથી અંદરની લેયર હોય છે ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT). જેનું નેતૃત્વ કરવાનો અવસર મને મળ્યો હતો. CPTમાં અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ એ વ્યક્તિ હોય છે જે વડા પ્રધાનથી ક્યારેય દૂર ન રહી શકે. અગર એક જ બૉડીગાર્ડ રહી શકતો હોય સાથે તો આ વ્યક્તિ રહે. એવામાં તેમની સાથે પડછાયાની જેમ રહેવાની જવાબદારી મારી હતી. ડૉક્ટરસાહેબની પોતાની એક જ કાર હતી - મારુતિ-800, જે વડા પ્રધાનના હાઉસમાં આલીશાન કાળા રંગની BMW કારની પાછળ ઊભી રાખવામાં આવતી હતી. મનમોહન સિંહજી વારંવાર મને કહેતા કે અસીમ, મને આ કારમાં જવાનું પસંદ નથી, મેરી ગડ્ડી તો યહ હૈ (મારુતિ). હું તેમને સમજાવતો કે સર, આ કાર આપના ઐશ્વર્ય માટે નથી પણ એમાં સિક્યૉરિટી ફીચર્સ એવાં છે જેથી SPGએ એને ખરીદી છે. વડા પ્રધાનની કારનો કાફલો જ્યારે પણ આ મારુતિ કાર પાસેથી પસાર થતો ત્યારે તેઓ એને મન ભરીને જોતા રહેતા હતા. જાણે કે સંકલ્પ દોહરાવી રહ્યા હોય કે હું મિડલ ક્લાસની વ્યક્તિ છું અને આમ આદમીની ચિંતા કરવી મારું કામ છે; કરોડોની ગાડી વડા પ્રધાનની છે, પણ મારી તો આ મારુતિ છે.’